યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા

યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની…

યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની સુપરમાર્કેટોને નિશાન બનાવીને કનેક્ટેડ રેફ્રિજરેટર સિસ્ટમ્સને હેક કરી દીધી છે. પેરિસમાં આ સાયબર એટેકના કારણે વિવિધ સુપરમાર્કેટોમાં રાખેલા આશરે 150 રેફ્રિજરેટર્સમાં આગ લાગવાની ઘટનાઓ બની છે.

ફ્રેન્ચ પ્રશાસન અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ ગંભીર બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે આ હુમલા પાછળ રશિયન હેકર્સનો હાથ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હેકિંગની આ ઘટના પાછળ અત્યંત ચતુર વ્યૂહરચના જોવા મળી હતી. હેકર્સે સૌપ્રથમ સુપરમાર્કેટની મધ્યસ્થ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ તેમણે વિવિધ સ્ટોર્સમાં સ્થિત રેફ્રિજરેશન સિસ્ટમ્સને બળજબરીથી ’ડિફ્રોસ્ટ’ મોડ પર મૂકી દીધી હતી. આના કારણે રેફ્રિજરેટર્સનું તાપમાન ઝડપથી વધવા લાગ્યું અને જોતજોતામાં સેંકડો ફ્રિજનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ થઈ ગયું હતું. હેકર્સનો મુખ્ય હેતુ આ રેફ્રિજરેટર્સને ઓવનમાં ફેરવીને ભારે નુકસાન પહોંચાડવાનો હતો.

મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર, વિવિધ સુપરમાર્કેટ કંપનીઓના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આ સિસ્ટમ્સ લગભગ છ કલાક સુધી સંપૂર્ણપણે હેકર્સના નિયંત્રણ હેઠળ રહી હતી. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ, તમામ સ્ટોર્સમાંથી ખરાબ થયેલો ખોરાક ફેંકી દેવો પડ્યો હતો અને એક કંપનીના માલિકે ગ્રાહકોની જાહેર માફી પણ માગી હતી.

હેકર્સે ફ્રાન્સના છ મુખ્ય સુપરમાર્કેટ ચેઇન્સને નિશાન બનાવ્યા હતા, જેમાં કેરેફોર, મોનોપ્રિક્સ, ઓચન, ઇન્ટરમાર્ચે, લેસ મૌસ્કેટેયર્સ અને ફ્રાન્સની સૌથી મોટી સુપરમાર્કેટ કંપની ઇ-લેક્લેર્કનો સમાવેશ થાય છે. આ હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા પ્રસરી છે.

ડેનિશ રેફ્રિજરેશન કંપની ’ડેનફોર્સ’એ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે આ હુમલાનો ભોગ માત્ર એ જ રેફ્રિજરેટર્સ બન્યા છે જે જૂના ફર્મવેર સોફ્ટવેર પર ચાલી રહ્યા હતા. કંપનીએ ઉમેર્યું હતું કે તેમણે થોડા મહિનાઓ પહેલા જ તમામ ગ્રાહકોને પોતાના સોફ્ટવેર અપડેટ કરવા માટે કડક ચેતવણી આપી હતી.