મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 12 ઓક્ટોબરના રોજ આયોજિત એક ભવ્ય સમારોહમાં આઈ એન એસ માંગરોળને ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવ્યું છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નિર્મિત આ જહાજ નૌકાદળનું ત્રીજું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) છે, જેમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આધુનિક શસ્ત્રો અને સેન્સર્સ જેવા કે અભય હલ-માઉન્ટેડ સોનાર, હળવા વજનના ટોર્પિડો, દેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર અને મારીચ એડવાન્સ્ડ ટોર્પિડો ડિકોય સિસ્ટમથી સજ્જ આ જહાજ ખાસ કરીને દરિયાકાંઠાના છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધીને તેનો નાશ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.
જૂનાગઢ જિલ્લાના પ્રખ્યાત મત્સ્યબંદર અને દરિયાકાંઠાના શહેર માંગરોળ પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે, જે અગાઉ એપ્રિલ 2004 સુધી નૌકાદળમાં સેવા આપનાર માઇનસ્વીપર INS માંગરોળ (M85)નો વારસો આગળ ધપાવી રહ્યું છે.
