ક્રાઇમ

નામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલો

Published

on

હું જેલમાં ગયો ત્યારના ઘર ખર્ચના પૈસા આપવા પડશે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી

બીજાના ઝઘડામાં પ્રતિક વિરુદ્ધ ફરિયાદ થતાં જેલમાં ગયો હતો, પોલીસે ગુનો નોંધ્યો


રાજકોટ શહેરમાં સામાકાંઠે નામચીન શખ્સે ફરી પોતાના લખણ ઝળકાવ્યા હતા અને લાલપરી મફતીયાપરા પાસે રહેતા પરિવારના ઘરે મોડી રાત્રે દરવાજા ખખડાવી બહાર બોલાવી સગા ત્રણ ભાઇઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બી ડિવીઝન પોલીસમાં નોંધાઇ છે.


આ મામલે આરોપી અગાઉ જેલમાં હતો ત્યારે જે ખર્ચ થયો તેનો ખર્ચ ફરીયાદી પરીવાર પાસે માંગી માર માર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો હતો.તેમજ નામચીન શખ્સે રાત્રીના સમયે જાણે તેમને પોલીસનો કોઇ ડર ન હોય તેમ સ્કોર્પીયોમાં તેમના સાગ્રીતો સાથે ફરીયાદીના ઘરે ધસી ગયો હતો અને રીતસરનો આતંક મચાવ્યો હતો.
બનાવની વધુ વિગતો મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા માંડાડુંગર નજીક શિવમ સોસાયટી, હિંગળાજ પાનવાળી શેરીમાં રહેતા હિરેનભાઇ મહેશભાઇ ગળચર નામના યુવાને નામચીન શખ્સ પ્રતિક દિલીપ ચંદારાણા અને તેમની સાથેના અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.


આ મામલે તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ જોગડા અને સ્ટાફે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.હિરેનભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતાના વિસ્તારમાં રહેતો નામચીન પ્રતિક દિલીપ ચંદારાણા વિરુધ્ધ સાતેક મહીના પહેલા નરેશભાઇ ભાલીયા એ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં પ્રતિક ચંદારાણા ત્રણેક મહીના સુધી જેલમાં ગયો હતો અને જેલમાંથી છુટી આવતા આ પ્રતિકને જેલમાં જવુ પડયુ હોય જેથી આ બાબતનો ખાર રાખી ફરીયાદી હિરેનભાઇને અગાઉના ફરીયાદી નરેશભાઇ સાથે કોઇ સબંધ ન હોય આમ છતા પ્રતિક ચંદારાણા હિરેનભાઇના ઘરે પહોંચ્યો હતો અને જેલમાં થયેલો ખર્ચો અને ઘર ખર્ચના પૈસાની ગેરકાયદેસર માંગણી કરી અને ન આપો તો હેરાન કરી મુકીશ તેમ કહી ફરીયાદી હિરેન સાથે ઝપાઝપી કરી હતી અને માતાને મુંઢ ઇજા પહોંચી હતી. ત્યારબાદ ડરી ગયેલો હિરેનભાઇનો પરિવાર લાલપરી મફતીયાપરા પાસે રહેતા તેમના દાદાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો.


ત્યા ગઇકાલે મોડી રાત્રે પ્રતિક ચંદારાણા પહોંચ્યો હતો અને તેમણે દરવાજો ખખડાવતા હિરેનભાઇના માતાએ દરવાજો ખોલ્યો હતો અને ત્યા બહાર બોલેરોમાં 3 અજાણ્યા શખ્સો સાથે આવેલા પ્રતિકે બોલેરોમાંથી હોકી કાઢી ફરી પૈસાની ઉઘરાણી કરી હતી અને ત્યારે હિરેનભાઇના માતા અલ્પાબેને કહયુ કે વગર કારણ રૂપિયા અમે શું કામ આપીએ. જેથી પ્રતિક ઉશ્કેરાયો હતો અને ગાળો બોલી તમને શાંતિથી નહી જીવવા દઉ. તેમ કહી ત્રણેય પુત્રોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્રણેય ભાઇઓ તેમજ માતા અલ્પાબેન પર હુમલો કર્યો હતો.
જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા. આ મામલે આરોપી પ્રતિક ચંદારાણા અને તેમના સાગ્રીતો વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

સામાકાંઠે પ્રતિક ચંદારાણાનો આતંક વધ્યો, 20 દિવસમાં બીજો ગુનો આચર્યો
સામાકાંઠાના નામચીન ગણાતા પ્રતિક ચંદારાણા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, પોલીસ પર ખુની હુમલો, દારૂ, મારામારી સહિતના 30 થી વધુ ગુના પોલીસ ચોપડે ચડી ચુકયા છે. આમ છતા પ્રતિક સુધરવાનુ નામ ન લેતો હોય તેમજ પોલીસનો કોઇ ડર ન હોય તેમ સામાકાંઠે પોતાના વિસ્તારમાં લોકોને ડરાવી, ધમકાવી રહયો હોવાનુ ચર્ચાઇ રહયુ છે. ત્યારે પખવાડીયા પહેલા બામણબોર રહેતા પત્રકાર બાબુભાઇ ડાભી પર ખુની હુમલો કર્યા બાદ ગઇકાલે મોડી રાત્રે લાલપરી પાસે રહેતો એક શ્રમિક પરીવાર પર પૈસાની ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. આ મામલે હવે આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી તેમનુ વિસ્તારમાં સરઘસ કાઢવા અંગેની માંગણીઓ લોકોમાં ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version