જંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા; પાન-ફાકીના ધંધાર્થી ઉપર હુમલો

શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારમારીના બનાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા…

શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારમારીના બનાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ પાન-ફાકીની દુકાન કેરેટ તોડી નાખવા મુદ્દે ધંધાર્થી યુવાને પૂછપરછ કરતા કુખ્યાત શખ્સ સહિતનાએ તલવાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વરમાં આવેલા રાધાકૃષ્ણનગરમાં રહેતા દિનેશ લાભુભાઇ હુંબલ નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે નામચીન આશીફ ગંધારા સહિતના શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વેપારી યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં દિનેશભાઇ હુંબલ પોતાના ઘર પાસે પાન-ફાકીની દુકાન ધરાવે છે. દુકાને પડેલા કેરેટ આશીફ ગંધારાએ તોડી નાખ્યુ હતું. જે કેરેટ તોડવા મુદ્દે દિનેશભાઇ હુંબલે પૂછપરછ કરતા આશીફ ગંધારા સહિતના શખ્સોએ ઝઘડો કરી તલાવર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.