PCBએ વેશપલટો કરી બોર્ડર પર કારમાં મીટિંગ કરતાં જ દબોચી લીધા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્કનો બેતાજ બાદશાહ ગણાતો સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ વોન્ટેડ જાહેર કરાયેલ કુખ્યાત બુટલેગર ફિરોઝ હાસમ મેણું આખરે પીસીબીની ટીમે ગુજરાત-રાજસ્થાનની હમીરગઢ બોર્ડર પાસે એક ધાબા ઉપર હતી ઝડપી લીધો હતો. રાજકોટથી ફરાર થયેલો ફિરોઝ છુપાવવા માટે આશરો મેળવવાની શોધમાં હતો અને બોર્ડર નજીક ક્રેટા કારમાં રાજસ્થાનના સપ્લાયર સાથે મીટીંગમાં બેઠો હતો ત્યારે વેશપલટો કરી વોચમાં બેઠેલી રાજકોટ પીસીબીની ટીમે બન્નેને ઝડપી લીધા હતા.
પીસીબીના સકંજામાં આવેલા ફિરોઝ આ વખતે કાયદાકીય ગાળિયામાં બરાબરનો ફસાયો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા રાજસ્થાનના મુખ્ય સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડને પણ ત્યાંથી દબોચી લીધો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુવાડવા પોલીસ મથકની હદમાંથી ફિરોઝ મેણુંનો રૂપિયા 70 લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં ફિરોઝ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરોડા બાદ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય આ દરોડા બાદ તાત્કાલિક અસરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા હતા અને ફિરોઝને કોઈપણ ભોગે ઝડપી લેવા કડક આદેશો છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાંચના એસીપી બી.બી. બસીયા અને પી.સી.બી.ના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલીયાએ અલગ-અલગ જુદી-જુદી ટીમો બનાવીને બુટલેગર ફિરોઝને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આખરે ફિરોઝનું લોકેશન મળતા પીસીબીના પીએસઆઈ આર.કે.જાડેજા અને તેમની ટીમે ફિરોઝને પકડવા માટે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું. ગુજરાત અને રાજસ્થાનની હમીરગઢ બોર્ડર નજીક એક ધાબા ઉપર પોતાની ક્રેટા કારમાં બેઠેલા ફિરોઝને ઝડપી લેવામાં આવ્યો હતો ફિરોઝ સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા રાજસ્થાનના મુખ્ય સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડને પણ ત્યાંથી દબોચી લીધો છે.રાજકોટથી ફરાર થયેલો ફિરોઝ છુપાવવા માટે આશરો મેળવવાની શોધમાં હતો અને તેણે રાજસ્થાનના મુખ્ય સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડને મળવા બોલાવ્યો હતો.
બુટલેગર ફિરોઝ હાસમ મેણુંનો લાંબો અને ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2007થી શરૂ કરીને વર્ષ 2026 સુધીના ગાળામાં તેની વિરુદ્ધ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ટંકારા, વાંકાનેર, લોધિકા અને શાપર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંગ્રેજી દારૂની હેરાફેરી અને વેચાણના 33 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ટંકારા પોલીસ મથકમાં તેની સામે આર્મ્સ એક્ટ અને રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજો બનાવવા સહિતના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વર્ષ 2007થી વર્ષ 2025 સુધીના સમયગાળા દરમિયાન આ કુખ્યાત બુટલેગર વિરુદ્ધ અલગ-અલગ સમયે 7 જેટલી વખત પાસા હેઠળ અટકાયતના પગલાં લેવામાં આવ્યા હતા.
પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.
SMCના દરોડામાં નજર અંદાજ થયેલ ગોડાઉનમાં ફિરોઝે છૂપાવેલ રૂ.3.32 લાખનો જથ્થો ઙઈઇએ ઝડપી લીધો
કુવાડવા રોડ પર આવેલી આરકે ઇન્ડસ્ટ્રીઝમાં શ્રી રામદેવ નામના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પાડેલ દરોડામાં કુખ્યાત બુટલેગર ફિરોઝે મંગાવેલ રૂ.70 લાખનો દારૂ ઝડપી લીધા બાદ દરોડા સ્થળ પાસે જ આવેલ એક પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. SMCના દરોડામાં નજર અંદાજ થયેલ ગોડાઉનમાં ફિરોઝે છુપાવેલ રૂ.3.32 લાખનો PCBએ ઝડપી લીધો હતો. પીસીબીના પી.આઈ એમ.આર.ગોંડલીયાની સુચનાથી પીએસઆઈ આર.કે.જાડેજા અને તેમની ટીમે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી પ્લાસ્ટિક વેસ્ટના સંખ્યાબંધ બાચકા નીચે છુપાવેલી રૂપિયા 3.32 લાખના અંગ્રેજી દારૂની વધુ 40 પેટીઓ કુલ 1920 બોટલ શોધી કાઢ્યો હતો.પીસીબીના દરોડા બાદ એ સાબિત થયું છે કે એસએમસીએ અગાઉ રેડ વખતે ગોડાઉનની બરાબર તપાસ કરી ન હતી, જેના કારણે ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગોડાઉન કાકડીયા અટક ધરાવતા શખ્સની માલિકીનું છે અને તેને પરેશ પટેલ નામના વ્યક્તિએ ભાડે રાખ્યું હતું, જેની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં કુખ્યાત બુટલેગર ફીરોઝને સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
