કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા

રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…

રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા બળજબરીથી પડાવી લેવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વેપારીની નાણાકીય મજબૂરીનો ગેરલાભ ઉઠાવી માત્ર રૂૂ. 5.50 લાખની ધિરાણ રકમ સામે રૂૂ. 1 કરોડ 7 લાખથી વધુની રકમ બળજબરીથી પડાવી લેવાના અને જમીન હડપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ચકચારી બનાવમાં પડધરી પોલીસ મથકે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે.પોલીસે અલ્પેશ ડોંગા સહિતની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ સરપદડ ગામે રહેતા વેપારીને 25 વર્ષીય યુવક પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવડીયાએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ગોપાલભાઈ દોંગા (રહે. રાજકોટ), અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ (રહે. રાજકોટ), ચંદુભાઈ છગનભાઈ વીરડીયા (રહે. રાજકોટ), પીયુષભાઈ ચંદુભાઈ વીરડીયા (રહે. રાજકોટ) અને હિરેનભાઈ રતિભાઈ લુણાગરીયા (રહે. સરપદડ)નું નામ આપ્યું છે. સરપદડ ગામે રહેતા અને પાન-કરિયાણાની દુકાન ચલાવતા 25 વર્ષીય પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં ગેરેજના ધંધામાં થયેલી નાણાકીય ખોટ ભરપાઈ કરવા તેમને નાણાંની જરૂૂરિયાત હતી. આ દરમિયાન ગામના વચેટીયા હિરેન રતિભાઈ લુણાગરીયા મારફતે તેમનો સંપર્ક નાના મવા રોડ પર ’પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ’ ધરાવતા અલ્પેશ ગોપાલભાઈ દોંગા તથા અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ સાથે થયો હતો.

પીડિત પરિવારને રૂૂ. 5,50,000 ની જરૂૂર હોવાથી આરોપીઓએ સરપદડ સ્થિત તેમની 9 વીઘા ખેતીની જમીનનો સાટાખત કરવાનું કહી માસિક 5 ટકા વ્યાજે નાણાં આપવાનું નક્કી કર્યું હતું. તા. 22/10/2022ના રોજ પડધરી સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે પીડિતને વિશ્વાસમાં લઈ સાટાખતના બહાને જમીનનો સંપૂર્ણ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો.

ત્યારબાદ અલ્પેશ દોંગા, અક્ષીત અકબરી, ચંદુભાઈ વીરડીયા અને પીયુષભાઈ વીરડીયાએ મળીને યુવક પાસેથી મુદ્દલ અને વ્યાજ પેટે લાખો રૂૂપિયા મેળવ્યા છતાં દસ્તાવેજ રદ કર્યો નહોતો. આરોપીઓએ આ દસ્તાવેજનો ઉપયોગ કરી રૂૂ. 80 લાખ ઉપાડ્યાનું કહી જમીન પરત મેળવવા માટે અવારનવાર પઠાણી ઉઘરાણીઓ શરૂૂ કરી હતી. જમીન બચાવવા માટે ફરિયાદીએ પોતાના ભાઈની જમીન વેચીને અલ્પેશ દોંગાને રૂૂ. 40 લાખ રોકડા આપ્યા હતા. તેમ છતાં, પીયુષ વીરડીયાએ જમીન પરત કરવા માટે વધુ રૂૂ. 54 લાખની માંગણી કરી લેન્ડ ગ્રેબિંગ અને જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપી હતી.

આમને સામને કરી વ્યાજખોરોએ પીડિત પાસેથી રૂૂ. 5.50 લાખની સામે કુલ રૂૂ. 1,07,16,000 (એક કરોડ સાત લાખ સોળ હજાર) ની માતબર રકમ બળજબરીથી પડાવી લીધી હતી. આ ઉપરાંત ફરિયાદી તથા તેમના પિતાને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

આ અંગે પડધરી પોલીસે ફરિયાદી પ્રજ્ઞેશ ઝાલાવડીયાની રજૂઆત આધારે આરોપીઓ અલ્પેશ ગોપાલભાઈ દોંગા, અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુભાઈ છગનભાઈ વીરડીયા, પીયુષભાઈ ચંદુભાઈ વીરડીયા અને હિરેન રતિભાઈ લુણાગરીયા સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણ ચલાવી રહ્યા છે.