સિવિલ હોસ્પિ. પોલીસને ચકમો આપી કૂખ્યાત આરોપી ફરાર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી શહેરના રેલનગરનો કુખ્યાત આરોપી અજય માનસિંગ પરસોંડા ફરાર થઇ જતા શહેરભરની પોલીસ દોડતી થઇ ગઈ છે. અજય પરસોંડા વિરુદ્ધ…

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી શહેરના રેલનગરનો કુખ્યાત આરોપી અજય માનસિંગ પરસોંડા ફરાર થઇ જતા શહેરભરની પોલીસ દોડતી થઇ ગઈ છે. અજય પરસોંડા વિરુદ્ધ લૂંટ, અપહરણ, મારામારી અને ચેઇન સ્નેચિંગ અને ગેરકાયદેસર હથિયાર સહીતના આશરે 15 થી 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ જીલ્લા જેલ માંથી અજય પરસોડાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પરત જેલ ખાતે લઇ જતી વખતે તે પોલીસ વાહનમાં બેસાડવામાં આવતો હતો ત્યારે પોલીસને ચકમો આપી નાસી છુટ્યો હતો. અગાઉ પણ આઠ વર્ષ પૂર્વે ગાંધીગ્રામ પોલીસ મથકમાં રિક્ષામાં મુસાફરોને લૂંટવાના ગુનામાં તેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે કુદરતી હાજતના બહાને ટોઇલેટમાં જઇ ટોઇલેટની બારીમાંથી કૂદકો મારી તે ભાગ્યો હતો, જોકે પોલીસે તેને દબોચી લીધો હતો.

લૂંટ, અપહરણ, મારામારી અને ચેઇન સ્નેચિંગ અને ગેરકાયદેસર હથિયાર સહીતના આશરે 15 થી 25 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલ અજય ઉર્ફે અજો માનસીંગ પરસોંડા (ઉ.વ27)ને આજે હોસ્પિટલના સર્જનને દેખાડવા માટે લાવવામાં આવ્યો હતો. સવારે પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યા બાદ અજય ઉર્ફે અજો માનસીંગ પરસોંડાને પરત લઇ જવા પોલીસ વાહનમાં બેસાડવા આવી રહ્યો હતો ત્યારે ફરજ ઉપરના પોલીસ સ્ટાફને ચકમો આપી અજય ઉર્ફે અજો માનસીંગ પરસોંડા ભાગી છૂટ્યો હતો. તેને પકડવા માટે શહેર અને જીલ્લાભર માં નાકાબંધી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ માંથી ભાગી અજય ઉર્ફે અજો માનસીંગ પરસોંડા હોસ્પિટલ ચોક થી જયુબેલી તરફ ભાગ્યો હતો જેનો પોલીસે પીછો કર્યો પણ તે હાથમાં આવ્યો નહી, આ મામલે પોલીસ કંટ્રોલ રૂૂમ અને પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગત તા 22/7/2018ના રોજ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે કુદરતી હાજતના બહાને ટોઇલેટમાં જઇ ટોઇલેટની બારીમાંથી કૂદકો મારી અજય પરસોંડા ભાગી ગયો હતો, જોકે પોલીસે તેને દબોચી લીધો હતો, કુખ્યાત અજય પરસોંડાના રેલનગર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બનાવેલા તેના મકાન પર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશનની કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અજય પરસોંડાને પકડવા માટે પોલીસે ઠેરઠેર તપાસ શરૂ કરી છે. આ મામલે પ્રનગર પોલીસ મથકમાં ફરાર થયેલા કુખ્યાત અજય પરસોંડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આઠ વરસમાં બીજી વખત પોલીસને ચકમો આપીને ફરાર થયેલા શાતીર અજય પરસોંડાને ભાગવામાં કોઇએ મદદ કરી કે કેમ? તે મામલે સિવિલ હોસ્પીટલ તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ ઉપર પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે અને જો કોઇએ મદદ કરી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.