બોટાદ જિલ્લામાં વિકાસ કામોમાં લાપરવાહી બદલ 17 સરપંચોને નોટિસ

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી બોટાદ જિલ્લામાં 15મા નાણાંપંચ હેઠળ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના અમલીકરણની જિલ્લા કક્ષાએ…

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી

બોટાદ જિલ્લામાં 15મા નાણાંપંચ હેઠળ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના અમલીકરણની જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી સમીક્ષા દરમિયાન કેટલાક ગામોમાં વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ સંતોષકારક ન હોવાનું તેમજ ઉપલબ્ધ ગ્રાન્ટનો સમયસર અને અસરકારક ઉપયોગ કરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે.વિકાસ કાર્યોના અમલીકરણમાં શિથિલતાને કારણે જાહેર સુવિધાઓના વિકાસમાં વિલંબ થતાં સરકારના અનુદાનના હેતુને પ્રતિકૂળ અસર પહોંચતી હોવાનું જણાતા જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર દ્વારા મામલાને ગંભીરતાથી લઈ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંતર્ગત હાલ બોટાદ જિલ્લાના કુલ 17 ગ્રામ પંચાયતના સરપંચોને ગુજરાત પંચાયત ધારો-1993 ની કલમ-57(1) હેઠળ હોદ્દા પરથી દૂર કરવા અંગે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.બોટાદ તાલુકાના 11 ગામ જેમાં ઢીકવાળી, મોટી વીરવા, ચકમપર, વજેલી, સાલૈયા, તરઘરા, રતનવાવ, જોટીગડા, ભાંભણ, લીંબોડા અને ખાખોઈ,ગઢડા તાલુકાના રાજપીપળા-1 તેમજ રાણપુર તાલુકાના નાની વાવડી, ગુંદા, અણીયાળી કાઠી, બગડ અને કેરીયાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ગ્રામ પંચાયતોના વહીવટી વડા તરીકે ફરજ બજાવતા સંબંધિત તલાટી-કમ-મંત્રીઓ દ્વારા પણ યોજનાના અમલીકરણમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તેમની સામે શિક્ષાત્મક વહીવટી કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે તેમજ શિસ્તભંગના નિયમો અનુસાર કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને જાહેર નાણાંનો સમયસર, પારદર્શક અને હેતુલક્ષી ઉપયોગ સુનિશ્ચિત કરવો દરેક સંબંધિત અધિકારી અને પદાધિકારીની જવાબદારી છે. વિકાસલક્ષી કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી, શિથિલતા અથવા નિષ્કાળજી ભવિષ્યમાં પણ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં નિયમો મુજબ કડક કાયદેસરની તથા વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા તમામ ગ્રામ પંચાયતોને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, સરકારની ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા તેમજ વિકાસ યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા સૂચના આપવામાં આવી છે…