ગુજરાત
મિલકતવેરો ન ભરનાર 10,126 આસામીઓને નોટિસ
75000થી વધુ મિલકત વેરો બાકી છે તેવા આસામીઓ વિરુદ્ધ જપ્તી અને સિલિંગની કાર્યવાહી હાથ ધરાશે
મહાનગરપાલિકાની કરોડ રજ્જી સમાન મિલ્કત વેરાની આવકમાં દર વર્ષે ગાબડુ જોવા મળી રહ્યું છે. જેના લીધે વેરાવિભાગ દ્વારા હવે આખુ વર્ષ બાકીદારો વિરુદ્ધ મિલ્કત જપ્તી અને સીલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં હજુ પણ લક્ષ્યાંક ઘણો દૂર હોવાથી અને ઓક્ટોબર માસથી બાકીદારો ઉપર નવું વ્યાજ ચડત થઈ ગયું હોય 75 હજારથી વધુ મિલ્કતવેરો બાકી હોય તેવા 10,126 આસામીઓને ડિમાન્ડ નોટીસ ફટકારી તહેવારો બાદ તમામ મિલ્કત ધારકો વિરુદ્ધ જપ્તી અને મિલ્કત સીલીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીઓ આરંભવામાં આવી છે. તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલ 5.40 લાખ મિલ્કતો પૈકી 50% મિલ્કત ધારકો દર વર્ષે વેરાવળતર યોજનાનો લાભ લઈ પ્રમાણિક કરદાતાઓ સાબિત થઈ રહ્યા છે. પરંતુ વર્ષોથી વેરો બાકી હોય અને નોટીસની અવગણના કરી જપ્તી તેમજ સીલીંગનો ડર ન લાગતો હોય તેવા મગરમચ્છો વિરુદ્ધ વેરાવિભાગ દ્વારા આખુ વર્ષ રિકવરીઝુંબેશ કરવામાં આવી રહી છે. છતાં બજેટમાં આપવામાં આવેલ વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ ન હોય દર વર્ષે જાન્યુઆરી માસથી કડક રિકવરી ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં આ વર્ષે પણ બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ બે માસ પહેલા કરવામાં આવી હ તી.
જે અંતર્ગત 75000થી વધુ વેરો બાકી હોય તે પ્રકારની કોમર્શીયલ 10,126 મિલ્કતોને ડિમાન્ડ નોટીસ આપવામાં આવી છે. આમ તો દર વર્ષે બાકીદારોને ડિમાન્ડ નોટીસ અપાય છે. પરંતુ આ વખતે ડિમાન્ડ નોટીસ આપ્યા બાદ પણ આસામી વેરો ભરપાઈ ન કરે તો તેમના વિરુદ્ધ કડક પગલા ભરવાની સૂચના અપાયેલ હોય દિવાળીના તહેવારો બાદ બાકીદારો વિરુદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમજ મોટી કંપનીઓ અને અલગ અલગ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો બાકી હોય તેવી કંપનીઓને પણ નોટીસ આપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.
વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ડિમાન્ડ નોટીસ અપાયેલ 10,126 આસામીઓને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. છતાં વેરો નહીં ભરે તો આ પ્રકારની મિલ્કતો વિરુદ્ધ ત્રણેય ઝોનમાં પ્રથમ કોમર્શીયલ મિલ્કતોને જપ્તીની નોટીસ અને ત્યાર બાદ મિલ્કત સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે રહેણાકની મિલ્કતો સીલ કરવામાં આવતી ન હોય બાકીદારોના નળ જોડાણો કાપવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરાશે. હાલ 25000થી વધુ વેરો બાકી હોય તે પ્રકારના રહણાકના આસામીઓની નોટીસ તૈયાર કરવામાં આવી છે. જે કોમર્શીયલ મિલ્કતોની કામગીરી બાદ રહેણાક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
સરકારી મિલકતોને પણ અપાઈ નોટિસ
રાજકોટ શહેરમાં મિલ્કત વેરાની ગણતરીમાં સરકારી મિલ્કતોને પણ આવરી લેવામાં આવી છે. અલગ અલગ વિભાગની સરકારી કચેરીઓનો પણ કરોડો રૂપિયાનો વેરો બાકી હોય નિયમ મુજબ તમામ કચેરીઓને પણ નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વેરાવિભાગમાં જણાવ્યા મુજબ સરકારી કચેરીઓ મોટેભાગે પબ્લિક પ્રોપર્ટી હોવાના કારણે તેમજ આ કચેરીઓમાં સતત અરજદારોની અવર જવર અને કામો થતાં હોય આ પ્રકારની મિલ્કતો સીલથઈ શકતી નથી. જેની સામે મોટાભાગની સરકારી મિલ્કતોનો વેરો તેમને મળથી ગ્રાન્ટમાંથી ભરપાઈ કરવામાં આવતો હોય છે. કચેરીના મિલ્કત વેરાની જવાબદારી કોઈ અધિકારી કે અન્ય કોઈ લેતા નથી. પરિણામે ગ્રાન્ટ ઉપર જ મદાર રાખવો પડતો હોય છે. છતાં નિયમ મુજબ વેરો બાકી હોય તેવી તમામ કચેરીઓને નોટીસ આપવામાં આવે છે.