ફૂડ લાઇસન્સ વગર ધમધમતી સિવિલની કેન્ટિનને નોટિસ, 7 નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલઆંખ કરીને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલઆંખ કરીને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 93 ખાદ્યપદાર્થોની પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.જામનગર રોડ પર આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ની કેન્ટીનમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો.

જ્યાં લાઈસન્સ વગર કેન્ટીન ચલાવવા તેમજ અયોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. કેન્ટીનમાંથી નીચે મુજબના 7 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં મરચું પાવડર (લુઝ), હળદર પાવડર (લુઝ), ધાણાજીરું પાવડર (લુઝ), સીંગતેલ (લુઝ), રાંધેલી દાળ (પ્રીપેર્ડ લુઝ), ટીંડોળા-બટેટાનું શાક (પ્રીપેર્ડ લુઝ), ભાત/રાઈસ (પ્રીપેર્ડ લુઝ)ના નમૂના લેવા હતા. જયારે સમરસ હોસ્ટેલના કેન્ટીન સંચાલક સહીત 22 એકમોને નોટીસો આપવામાં આવી છે.

તપાસ દરમિયાન મનપાની ટીમે જુદી જુદી પેઢીઓમાંથી મળી આવેલો કુલ 115 કિલો અખાદ્ય, વાસી, પડતર તથા એક્સપાયરી ડેટ વીતી ગયેલો ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત, હાઈજેનિક કન્ડિશન (અસ્વચ્છતા), યોગ્ય સ્ટોરેજ અને લાઈસન્સ વિના વેપાર કરવા બદલ કુલ 22 પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને સ્થળ પર જ રૂૂ. 27,000 નો વહીવટી ચાર્જ/દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 07 ખાદ્યપદાર્થોના નમૂના લઈ વધુ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ સિવાય અન્ય વિવિધ ઈંડાની રેડી-રેસ્ટોરન્ટ, પાન-કોલ્ડ્રીંક્સ, પ્રોવિઝન સ્ટોર્સ, કાફે અને રેસ્ટોરન્ટ્સને પણ હાઈજેનિક સ્થિતિ તથા લાઈસન્સ અંગે નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

કઈ કઈ પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી
*ગ્રીન પાલક પંજાબી ચાઈનીઝ (ભાવનગર રોડ): વાસી શાકભાજી, મન્ચુરીયન, પડતર સોસ, ચટણી, ગ્રેવી, દાઝ્યું તેલ અને લોટ મળી કુલ 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂૂ. 3,000 નો દંડ વસૂલાયો.
* વિશ્વા ફૂડ્સ – Drizzles Pizza (રૈયા ચોકડી, 150 ફુટ રિંગ રોડ): વાસી કાપેલા શાકભાજી, પડતર લોટ અને લેબલ વગરના પેકેટ મળી 23 કિલો જથ્થાનો નાશ કરી સૌથી વધુ રૂૂ. 10,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો.
* SLURIT (કાલાવડ રોડ): એક્સપાયર્ડ બ્રેડ, વાસી રાઈસ અને નૂડલ્સ મળી 10 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી રૂૂ. 2,000 નો દંડ લેવાયો.
* રવિકાંત વિંદ પાણીપુરી વાલા (સાધુવાસવાણી રોડ): સડેલા/બાફેલા બટેટા અને જીવાતવાળો 20 કિલો લોટ ફેંકી દેવાયો અને રૂૂ. 500 નો દંડ વસૂલાયો.
* નેશનલ ચાઈનીઝ પંજાબી રેસ્ટોરન્ટ (જ્યોતિનગર): અયોગ્ય સ્ટોરેજ બદલ નોટિસ સાથે રૂૂ. 2,000 નો દંડ.
* સુરતી એગ મસ્તી (કાલાવડ રોડ): નોટિસ પાઠવી રૂૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો.
* પટેલ ફરસાણ (પંચવટી મેઈન રોડ): પેઢીમાંથી 10 કિલો અસ્વચ્છ પસ્તીનો જથ્થો નાશ કરાયો.