ભારત ઇન્ડિયા સમિટ (સાઉથ એડિશન)’માં વાત કરતાં ભારતની પૂર્વ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ખુલાસો કર્યો કે ક્રિકેટ સિવાયની રમતોમાં ભારત સતત વિશ્વસ્તરીય ખેલાડીઓ કેમ તૈયાર કરી શકતું નથી. તેના મતે તેનું સૌથી મોટું કારણ મજબૂત માળખાનો અભાવ, ઓછી લાઇમલાઇટ અને પૂરતા રોકાણનો અભાવ છે. સાઇનાએ જણાવ્યું કે ભારતમાં ક્રિકેટ એટલું લોકપ્રિય બનવાનું કારણ તેની પાછળની મજબૂત ઇકોસિસ્ટમ છે. તેણે કહ્યું, “ક્રિકેટ આપણા દેશમાં એટલું લોકપ્રિય છે કારણ કે તેની પાસે ખૂબ જ મજબૂત માળખું છે. તેની લીગ્સનું આયોજન પણ ખૂબ જ ભવ્ય રીતે થાય છે.
ઉપરાંત, ક્રિકેટની મેચ સતત ટીવી પર પ્રસારિત થતા હોવાથી લોકોને આ રમત સાથે જોડાયેલા રહેવાની તક મળે છે.” સાઇનાએ ભારપૂર્વક કહ્યું કે અન્ય રમતોને યોગ્ય પ્રચાર અને એક્સપોઝર ન મળવાના કારણે તેને નુકસાન થાય છે. ઘણી ટૂર્નામેન્ટ્સ યોજાય છે, પરંતુ તેને માત્ર તે રમતના ઉત્સાહી ચાહકો જ જુએ છે. તેમના મતે, રમતગમત સંઘો અને ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI)એ અન્ય રમતોના માર્કેટિંગ અને પ્રચાર પર વધુ ધ્યાન આપવું જોઈએ, જેથી તે પણ ક્રિકેટની જેમ લોકપ્રિય બની શકે.
સાઇના નેહવાલે યુવા ખેલાડીઓને મળતા સપોર્ટ અને સુવિધાઓ અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેણે તાજેતરમાં ચર્ચામાં રહેલા યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ક્રિકેટનું ઇકોસિસ્ટમ ઉભરતા ખેલાડીઓને કારકિર્દીની શરૂૂઆતથી જ વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.
