Site icon Gujarat Mirror

ઓનલાઇન મગાવેલા પાસ્તામાં નોનવેજના ટુકડા નીકળ્યા !

જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઝોમેટો મારફતે ખંભાળિયા હાઇવે પરની એક હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જમવા દરમિયાન પાસ્તામાંથી નોનવેજના ટુકડા જેવા પદાર્થ જોવા મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ગ્રાહકે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

ફરિયાદને ગંભીરતાથી લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સંબંધિત ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હોવાનું અને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

ફૂડ શાખા દ્વારા હોટલના ફૂડ હેન્ડલિંગ, રસોડાની વ્યવસ્થા, વેજ અને નોનવેજ ખાદ્ય પદાર્થોની અલગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ફૂડ સેફ્ટી સંબંધિત ફરિયાદોને લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સમયાંતરે વિવિધ ખાદ્ય એકમોમાં ચેકિંગ કરી નમૂનાઓ એકત્ર કરતી રહે છે અને જરૂૂરી હોય ત્યાં કાર્યવાહી પણ કરે છે.

Exit mobile version