રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 16 બેઠકની ચૂંટણીમાં ભાજપના જ ત્રણેક જૂથો વચ્ચે હોડ જામી છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમદિવસ હોય, આજે મોડીરાત્રે અથવા આવતીકાલે ગુરુવારે સવારે પ્રદેશ ભાજપમાંથી રા.લો.સંઘના ઉમેદવારોનુ લિસ્ટ આવી જવાની શકયતા છે. ભાજપ આ સહકારી ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવે છે. તે તરફ સૌની મીટ મંડાયેલી છે. ત્યારે મોટાભાગના વિવાદિત ચહેરાઓને કાપી નવા જ બિનવિવાદાસ્પદ ચહેરાઓને તક આપવામાં આવે તેવી પુરી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે.
પ્રદેશ ભાજપમાં લોલિંગ વધી જતા પ્રદેશ ભાજપે તદન નવા ચહેરાઓને સહકારીક્ષેત્રમાં ઉતારવાનુ નક્કી કર્યાનું જાણવા મળી રહ્યુ છે.
રાજકોટના સહકારી ક્ષેત્રમાં મહત્વના ગણાતા લોધિકા સહકારી સંઘ લિમિટેડની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ રાજકીય અને સહકારી વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ, આગામી 8 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે અત્યારે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ ચૂંટણી કુલ 16 બેઠકો માટે યોજાનાર છે. જેમાં સંઘ સાથે જોડાયેલી મંડળીઓ માટેના મતજૂથમાંથી 15 બેઠકો અને વ્યક્તિગત જૂથમાંથી 1 બેઠક એમ કુલ 16 બેઠકો પર ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.
કલેક્ટર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે બપોરે બે વાગ્યા સુધીમાં કુલ 10 જેટલા ફોર્મ ઉપડ્યા છે. સાંજ સુધીમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.સહકારી સંઘની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની શરૂૂઆત પણ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, અત્યાર સુધીમાં એક ફોર્મ વિધિવત રીતે ભરાઈને જમા પણ થયું છે. જેમાં ખીજડીયા મંડળી તરફથી નીતિનભાઈ લીંબાભાઈ ચોવટીયાએ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. આવતીકાલે ફોર્મ ઉપાડવા અને જમા કરાવવાનો અંતિમ દિવસ હોવાથી આજે અને આવતીકાલે ઉમેદવારોની ભારે દોડધામ જોવા મળે તેવી શક્યતા છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો માટે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા તા. 22 ઓગસ્ટથી શરૂૂ કરીને તા. 27 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે, તા. 29 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જે બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
