કલાસ-1 અને 2 ની વહીવટી ભરતીમાં અનુભવની જરૂર નહીં, નિયમ બદલાશે

ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં ઐતિહાસિક…

ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નવા પ્રસ્તાવ મુજબ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ-1 (Class-1) અને વર્ગ-2 (Class-2) ની સીધી ભરતી માટે અત્યાર સુધી જે વર્ષોના અનુભવની જરૂૂરિયાત હતી, તેને હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી શકે છે.

અત્યાર સુધીના નિયમો પ્રમાણે, વહીવટી અધિકારી વર્ગ-1ની ભરતી માટે ઉમેદવારો પાસે 5 વર્ષ અને વર્ગ-2 માટે 3 વર્ષનો વહીવટી અનુભવ હોવો અનિવાર્ય હતો. જેના કારણે લાખો લાયક ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી જતા હતા. પરંતુ, જો આ નવી દરખાસ્ત મંજૂર થશે તો હવે કોઈ પણ પ્રવાહના સ્નાતક ઉમેદવાર આ સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ ફેરફાર પાછળ સરકારનો હેતુ ભરતી પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. આ સાથે જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અનુભવની શરત હટવાથી GPSCની પરીક્ષામાં બેસતા ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે અને પ્રતિભાશાળી યુવાનોને સીધો જ વહીવટી તંત્રમાં જોડાવાનો મોકો મળશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારીઓની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી ન રહે અને વહીવટ વધુ સુદ્રઢ બને તે માટે આ નિર્ણય લેવાઈ રહ્યો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા દ્વારા રાજ્યના તમામ વિભાગોને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા ભરતીના નિયમોમાં સૂચિત સુધારા અંગે તમામ વિભાગો પાસેથી વહેલી તકે અભિપ્રાય અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.