નિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લે

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા જનતા પાર્કમાં પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે આર્થિક સંકડામણથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો…

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા જનતા પાર્કમાં પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે આર્થિક સંકડામણથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો હતો. પુત્રએ વ્યાજે અને આડેધડ લોન લઈ દેણુ કરી નાંખતા પરિવારને આત્મઘાતી પગલું ભરવાની નૌબત આવી હતી. પુત્રએ માતા-પિતા સાથે સજોડે ઝેરી દવા પીધા બાદ મિત્રને ફોન કરી દવા પીધી હોવાની જાણ કરી માતા-પિતાને બચાવી લેવાની ભલામણ કરી હતી. જે ઘટનામાં 108ને જાણ કરનાર વ્યક્તિનો મોબાઈલ પણ હાલ સ્વિચઓફ આવી રહ્યો છે. પોલીસે સામુહિક આપઘાત પ્રકરણમાં વ્યાજખોરી અંગે તપાસ શરૂ કરી કેટલાક શખ્સોની પુછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અજંતા પાર્કમાં રહેતા અને PWDમાં ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા દિલીપભાઈ ખખ્ખર (ઉ.વ. 73), તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર (ઉ.વ. 65) અને પુત્ર નિશિત ખખ્ખર (ઉ.વ. 32)એ ગઈકાલે સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં ઘરે સેલફોસના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. નિશિતે આપઘાતનું પગલું ભર્યા બાદ તેના મિત્રને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. મિત્રે તુરંત જ દિલીપભાઈના સંબંધીઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને 108 મારફતે ત્રણેયને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા., જ્યાં સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતાબેન અને ત્યારબાદ દિલીપભાઈ તથા નિશિતનું પણ મોત નીપજતાં ખખ્ખર પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરિવાર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો. આ સિવાય મૃતક નિશિતને અનેક લોકો સાથે નાણાકીય લેતી-દેતી હોવાથી વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને દબાણને કારણે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સગાં-સંબંધીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સ્થળ પરથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. ઉલ્લેખનીય છે કે, મૃતક દિલીપભાઈ જાહેર બાંધકામ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બનાવી નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા, તેમને સંતાનમાં બે પુત્રો હતા. એક જ પરિવારના સભ્યોના ત્રણેય સભ્યોએ જીવન ટૂંકાવી લેતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. મૃતક દંપતિના મોટા પુત્ર હર્ષનું 2018માં હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમાજના અગ્રણીઓએ સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા અને દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. ઘટનામાં યુનીવર્સિટી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૃતક નિશીતે તેના મિત્રને ફોન કરી ‘અમે દવા પીધી છે મારા માતા પિતાને બચાવી લે જે તેવી ભલામણ કરી હતી. સજોડે આત્મહત્યા કરનાર દંપતિ અને પુત્રને સારવાર અર્થે ખસેડવામાં 108માં ફોન કરનાર વ્યક્તિનો મોબાઈલ પણ હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસે વ્યાજખોરી અંગે તપાસ કરવા મૃતકોના મોબાઈલ કબજે કર્યા છે અને કેટલાક શખ્સોની પુછપરછ શરૂ કરી છે.

નિશિતના ખાતામાં 90 હજાર કોણે અને ક્યા કારણે મોકલ્યા?
અગ્રણીએ જણાવ્યું હતું કે મૃતક નિશીતભાઈના ખાતામાં નેવું હજારની ક્રેડીટ થઇ હતી. આ રકમ કોણે કયા કારણે મોકલી તેની તપાસ થવી જરૂૂરી છે. તેમજ ઉઘરાણી બાબતે બપોરે ફોન આવ્યાની પણ ચર્ચા હોઇ તપાસ થતાં કોઇએ આ પગલુ ભરવા મજબૂર કર્યા કે કેમ? તે બહાર આવશે. આ પરિવારને પગલુ ભરવા મજબૂર કરનારા સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. સ્થાનિક પોલીસ યોગ્ય ન કરે તો ક્રાઇમ બ્રાંચ તપાસ કરે તેવી પણ અમારી માંગણી છે. તેમ યુવા રઘુવંશી આગેવાને જણાવ્યું હતું. પ્રદિપ રઘુવંશીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક ભીંસથી આ પગલું ભર્યાનું પ્રાથમિક રીતે જણાયું છે.