સામાજિક અને ધાર્મિક સંગઠનોને આ મામલે દખલગીરી ન કરવા અપીલ કરી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ગુમ તરીકે નોંધાયેલ કેસમાં યુવતી પોતે જ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. વીડિયોમાં યુવતીએ જણાવ્યું છે કે, ’મેં પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે અને હું સંપૂર્ણ રીતે સુરક્ષિત છું.’
માહિતી મુજબ, રાજુલાની નેહા પરમાર નામની યુવતી લગભગ 10 દિવસ પહેલા સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માટે ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી સંપર્ક ન થતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. યુવતીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ નિર્ણય સંપૂર્ણપણે તેની મરજીથી લેવાયો છે અને તેના પર કોઈ દબાણ નથી. પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને પોલીસ કેસને તેણે અયોગ્ય ગણાવ્યા છે.યુવતીએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો મને અથવા મારા પતિને કોઈ પ્રકારની હેરાનગતિ અથવા નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પરિવાર પર રહેશે. સાથે જ યુવતીએ કેટલાક સામાજિક અને ધાર્મિક સંગઠનોને આ મામલે દખલ ન કરવા અપીલ કરી છે. યુવતીએ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોના સમર્થનનો ઉલ્લેખ કરીને અપીલ કરી છે કે, આ મામલે કોઈને પણ હેરાન કરવામાં ન આવે.વિડિયોમાં યુવતીએ પોતાના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ તેના સંબંધ વિશે પહેલાથી જ જાણતા હતા.
તેમ છતાં તેને ઘરમાં બંધ રાખવી, બહાર જવા ન દેવું અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનો પણ આક્ષેપ કર્યો છે. માતાપિતા પર યુવતીએ આક્ષેપ કરતા કહ્યું કે, હેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોઈઝ સાથે રિલેશનશિપમાં છું અને નાઉ હવે એ લોકો એવું બહાનું કાઢે છે કે, એ લોકો જાણતા નથી, હકીકતમાં એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મોઈઝ સાથે જ હતી અને એ વર્ષ દિવસના ટાઇમમાં મને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે.
યુવક મુહિસે પણ વીડિયોમાં જણાવ્યું કે, બંનેએ ત્રણ મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા અને તેઓ ખુશીથી સાથે જીવી રહ્યા છે. તેણે પણ રાજકીય અને સામાજિક દબાણ ન લાવવા અપીલ કરી છે. મોઇઝે વીડિયો દ્વારા નિવેદન આપતા કહ્યું કે, અમે ઓલરેડી ત્રણ મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને ભી ખબર હતી. ખબર નહીં કે આ ત્રણ મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે.

