ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂૂઆત થઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું ’યલો એલર્ટ’ જાહેર કર્યું છે. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડની ધમાકેદાર શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.50 ઈંચ નોંધાયો હતો.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે દિવસ દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત જેવો વરસાદ વરસ્યો હતો. વલસાડના પારડીમાં માત્ર 2 કલાકમાં 3.50 ઈંચ સહિત કુલ 4.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં 4.25 ઈંચ અને નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જલાલપોર, ગણદેવી, ચીખલી, ધરમપુર, ઉમરગામ અને વાપી જેવા વિસ્તારોમાં પણ 2 થી 3.5 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ સુધી સરેરાશ 10 ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગારીયાધાર સિહોર પાલીતાણા અને ભાવનગર શહેરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન સિહોરમાં 3, ગારીયાધાર માં1, પાલીતાણા માં1, તળાજામાં 24 અને જેસરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં 10 મી.મી.વરસાદ નોંધાયો છે. અનરાધાર વરસવાના બદલે સરવડા સ્વરૂૂપે એ પણ બે પાંચ કિમિ વિસ્તારમાં વરસી રહ્યો છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તા.27 સુધી વરસશે ધોધમાર વરસાદ : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સાવચેતી રાખવાની જરૂૂર રહેશે. મધ્ય ગુજરાત માટે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. 24થી 27 જુલાઈ દરમિયાન આ વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે. અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની શક્યતા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, મહિસાગરના લુણાવાડા તેમજ દાહોદ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ખેડૂતોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે.
