ભાવનગર શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાત રાજ્યની બીજા નંબરની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ભાવનગર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા રથયાત્રા પૂર્વે વિદેશી દારૂૂની હેરફેર રોકવા માટે આપેલી સખત સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે.
આ સચોટ બાતમીના આધારે કઈઇની ટીમે આખલોલ જકાતનાકા પાસે સ્વરાજ ટ્રેક્ટરની સામે રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની શંકાસ્પદ ઇકો કાર ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી. આ કારની આગળ-પાછળ ’ઓમ નર્સિંગ સર્જિકલ કેર હોસ્પિટલ’ તથા ’એમ્બ્યુલન્સ’ લખેલું હતું અને ઉપર ભૂરા કલરની લાઈટ લગાવેલી હતી. પોલીસે જ્યારે આ વાહનની ઘનિષ્ઠ તલાશી લીધી ત્યારે ગુનેગારોની એક અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. કારની અંદરથી ’ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી’ લખેલા કાળા કલરના ઝભલાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો તથા બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીની 480 બોટલ (કિંમત રૂૂ. 58,080), 8 પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કીની 384 બોટલ (કિંમત રૂૂ. 35,328), મેકડોવેલ્સ નં. 1 ઓરીજનલ ડીલકસ કલેકશન વ્હીસ્કીની 384 બોટલ (કિંમત રૂૂ. 57,600) તથા કીંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયરના 24 ટીન (કિંમત રૂૂ. 3,000) મળી કુલ 1,248 બોટલ અને બિયર ઝડપી પાડ્યા હતા, જેની કુલ કિંમત રૂૂપિયા 1,54,008 થાય છે. આ ઉપરાંત પોલીસે રૂૂપિયા 2,50,000ની કિંમતની ઇકો કાર અને રૂૂપિયા 10,000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ ફોન તથા ડ્રાઇવિંગ લાયસન્સ મળીને કુલ રૂૂપિયા 4,14,008નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સફળ દરોડા દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઈવર કિરણ સહદેવભાઈ મહેતા (ઉં.વ. 46, ધંધો-ડ્રાઈવિંગ, રહે. રૂૂમ નંબર-169, મઢુલી શેરી, સ્લમ બોર્ડ, આનંદનગર, ભાવનગર)ની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓના નામ પણ ખૂલ્યા છે, જેમાં દારૂૂનો આ જથ્થો મંગાવનાર ભાવનગરના આડોડિયાવાસનો બુટલેગર પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ અને રાજસ્થાનના આબુથી દારૂૂ સપ્લાય કરનાર પ્રકાશ નામના શખ્સનો સમાવેશ થાય છે. હાલમાં આ બંને આરોપીઓને પકડવાના બાકી હોઈ પોલીસે તેમને ફરાર જાહેર કર્યા છે. LCB દ્વારા પકડાયેલા આરોપી અને મુદ્દામાલ સાથે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રશંસનીય કામગીરી LCB ના પોલીસ સ્ટાફના પીઆઇ એમ.એેમ. સરવૈયા,વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ અને ઉમેશભાઈ હુંબલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
