દ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યો

શહેરના મવડી મેઈન રોડ પર ગઈકાલે સાંજે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદયનગર-01 માં રહેતા જ્યોતીબેન નિલેષભાઈ ગુજરીયાએ અશ્વીન મકવાણા, રોહિત વાલાણી…

શહેરના મવડી મેઈન રોડ પર ગઈકાલે સાંજે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદયનગર-01 માં રહેતા જ્યોતીબેન નિલેષભાઈ ગુજરીયાએ અશ્વીન મકવાણા, રોહિત વાલાણી અને એક અજાણ્યા શખ્સ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે ફરિયાદીનો પરિવાર દ્વારકા ફરવા જવાની તૈયારી કરી રહ્યો હતો. આરોપી અશ્વીન મકવાણાએ ફરિયાદીના માતાને ફોન કરી ગાળો આપી હતી અને બાદમાં મવડી રોડ પર બોલાવી હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી જ્યોતીબેનના માતા નયનાબેને તેમના ભાણી કોમલબેનને દ્વારકા ફરવા આવવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોમલબેને આવવાની ના પાડી હતી. આ સામાન્ય બાબત પર કોમલબેનના પતિ અશ્વીન મકવાણાએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના માતા અને ત્યારબાદ ફરિયાદીને પણ ફોન પર બિભત્સ ગાળો આપી હતી. સાંજના સમયે જ્યારે ફરિયાદીના પતિ નિલેષભાઈ નોકરીએથી પરત આવ્યા ત્યારે અશ્વીને તેમને મવડી મેઈન રોડ પર ઉદયનગરના છેડે બોલાવ્યા હતા. ત્યાં અગાઉથી હાજર અશ્વીન, તેના મિત્ર રોહિત અને એક અજાણ્યા શખ્સે નિલેષભાઈ પર ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું.

જ્યારે જ્યોતીબેન અને તેમના માતા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ દરમિયાન આરોપી અશ્વીન મકવાણાએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી નિલેષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સાથે રહેલા અજાણ્યા શખ્સે અશ્વીનના હાથમાંથી છરી ખેંચી લીધી હતી. લોકોના ટોળા એકઠા થતા ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.હાલમાં માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ સારંગભાઈ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.