‘જો આને છરી કહેવાય’ કહી 14 વર્ષના કિશોરને પાડોશીએ છરી ઝીંકી દીધી

રાજકોટ શહેરના લક્ષ્મીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક નજીવી બાબતના અહમમાં પડોશમાં રહેતા શખ્સે 14 વર્ષના માસૂમ કિશોર પર છરી વડે…

રાજકોટ શહેરના લક્ષ્મીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક નજીવી બાબતના અહમમાં પડોશમાં રહેતા શખ્સે 14 વર્ષના માસૂમ કિશોર પર છરી વડે હુમલો કરી દીધો છે. આ હુમલામાં સગીરને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે સગીરના પિતાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો દોર શરૂ કર્યો છે.

મળતી વિગતો અનુસાર,વિજય પ્લોટ શેરી નંબર 12માં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાજુભાઈ ભીમજીભાઈ ડોડીયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 28 મે 2026ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાની આસપાસ તેમનો 14 વર્ષનો નાનો દીકરો દેવાંશ લક્ષ્મીનગર મેઇન રોડ રામવાડી શેરી નંબર 05 ખાતે આવેલા તેના મિત્ર હર્ષભાઈના ’ગણેશ પ્લાય એજ’ નામના કારખાને મળવા માટે ગયો હતો. દેવાંશ અને તેનો મિત્ર હર્ષ બંને કારખાનાની બહાર બેઠા હતા, ત્યારે જ ત્યાં સામે રહેતો કરણ નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને પોતાની પાસે રહેલી છરી બતાવી રોફ જમાવવા લાગ્યો હતો.

તે સમયે કરણે દેવાંશને છરી બતાવીને કહ્યું હતું કે “જો આને છરી કહેવાય”. આ સાંભળીને દેવાંશે તેને વળતો જવાબ આપ્યો કે “તારી છરી તારી પાસે રાખ, મારે તારી છરી નથી જોવી”. દેવાંશનો આ સ્પષ્ટ જવાબ કરણને ખૂબ જ ખરાબ લાગ્યો હતો અને તેનો અહમ દુભાયો હતો. આ નાનકડી વાતથી ઉશ્કેરાઈ જઈને કરણે ક્રૂરતાપૂર્વક પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી દેવાંશના જમણા પગના સાથળના પાછળના ભાગે મારી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હુમલાથી ગભરાઈ ગયેલો દેવાંશ જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો, ત્યારે તેણે પિતાના ડરથી સાચી હકીકત છુપાવી દીધી હતી. તેણે પિતાને જણાવ્યું કે કારખાનામાં બેસતી વખતે તેને ભૂલથી ખીલ્લી વાગી ગઈ છે. પુત્રના પગમાંથી લોહી નીકળતું જોઈ પિતા રાજુભાઈ તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર કરાવીને તેઓ ઘરે પરત ફર્યા હતા. જો કે, બીજા દિવસે સાંજના સમયે દેવાંશને પગમાં અસહ્ય દુખાવો ઉપડતા પિતાએ પ્રેમથી પૂછપરછ કરી હતી, જેથી દેવાંશે રડતા રડતા પડોશી કરણે કરેલા છરીના હુમલાની સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. પુત્રની વાત સાંભળીને પિતા તાત્કાલિક માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કરણ વિરૂદ્ધ કડક પગલાં લેવા ફરિયાદ કરી હતી.