નીટના પેપરો પાંચ રાજ્યમાં વેચાયા, 20થી 50 લાખનો ઉમેદવાર દીઠ ‘વહીવટ’

ગેરકાયદેસર વેચાણમાં મહારાષ્ટ્ર ટોચ પર, CBI તપાસમાં સનસનીખેજ ધડાકા નીટ યૂજી પરીક્ષામાં ગોટાળાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ પેપર લીક કાંડની…

ગેરકાયદેસર વેચાણમાં મહારાષ્ટ્ર ટોચ પર, CBI તપાસમાં સનસનીખેજ ધડાકા

નીટ યૂજી પરીક્ષામાં ગોટાળાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ પેપર લીક કાંડની તપાસ કરી રહેલી એજન્સીઓની તપાસમાં સનસનીખેજ બાબત સામે આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર નીટના પ્રશ્નપત્ર કોઈ એક શહેર કે રાજ્ય સુધી સિમિત નહોતા. તેને દેશના ઓછામાં ઓછા 5 રાજ્યોમાં વેચવામાં આવ્યાં હતા. પેપર લીકનું નેટવર્ક એટલું મોટું હતું કે, તેના તાર છેક મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન અને બિહાર સુધી જોડાયેલા હતા. જેણે આખા દેશની શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી છે.

આ ગેરકાયદેસર NEET પ્રશ્નપત્રોના વેચાણમાં મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે. મહારાષ્ટ્ર પછી રાજસ્થાનનો નંબર આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને NEETના પેપર ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હતા. સોલ્વર ગેંગ અને દલાલોએ મળીને પરીક્ષાની પવિત્રતાને સંપૂર્ણ રીતે ખંડિત કરી નાખી છે. CBIના સૂત્રો અનુસાર, આ 5 રાજ્યોમાં કરોડો રૂૂપિયાની લેવડદેવડ થઈ છે. આ ખુલાસા બાદ હવે NEET UG પેપર લીકના સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

તપાસ એજન્સીઓને મળેલા દસ્તાવેજો અને પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે NEET પરીક્ષાના પેપર લીકનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રમાં હતું. અહીં સૌથી વધુ પ્રશ્નપત્રોની ખરીદી-વેચાણ થયું હતું. મહારાષ્ટ્ર પછી આ યાદીમાં રાજસ્થાન આવે છે. રાજસ્થાનના અનેક કોચિંગ હબ અને સેન્ટરો આ રેકેટના નિશાન પર હતા. ઉપરાંત, 3 અન્ય રાજ્યોમાં પણ આ લીક પેપરને સંપૂર્ણ યોજના સાથે ફેલાવવામાં આવ્યું હતું, જે પરથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક ગેંગનું નહીં, પણ અનેક રાજ્યોમાં ફેલાયેલા સંગઠિત સિન્ડિકેટનું કામ હતું.

CBIના સૂત્રો કહે છે કે એક પેપર માટે ઉમેદવારો પાસેથી 20 લાખથી લઈને 50 લાખ રૂૂપિયા સુધી વસૂલવામાં આવ્યા હતા. ઘણા પેરેન્ટ્સે પોતાના બાળકોને ડોક્ટર બનાવવા માટે જીવનભરની કમાણી આ ઠગોને આપી દીધી હતી. આ સમગ્ર લેવડદેવડ રોકડ રકમમાં અને ગુપ્ત રીતે કરવામાં આવી હતી, જેથી કોઈ ડિજિટલ પુરાવો ન મળે.

NEET UG પેપર લીકની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ષડયંત્રને અમલમાં મૂકવા માટે ખૂબ ચાલાકી વાપરવામાં આવી હતી. પેપર લીક કરનારા ગેંગ સીધા ઉમેદવારો સાથે સંપર્ક કરતા નહોતા, પરંતુ સ્થાનિક દલાલોની મદદ લેવામાં આવતી હતી. પરીક્ષા પહેલા એક રાત્રે વિદ્યાર્થીઓને ગુપ્ત સ્થળે, જેમ કે હોટલ કે ફાર્મહાઉસમાં બોલાવવામાં આવતા. ત્યાં તેમના મોબાઇલ ફોન જમા કરાવી લેવાતા અને કોડવર્ડ દ્વારા પ્રશ્નોના જવાબ ગોખાવવામાં આવતા.