વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા
રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા ગેઈટ નં.2માં રહેતાં ભાઈ-બહેન પર આજે વહેલી સવારે બુકાનીધારી શખ્સે ઘરમાં ઘુસી છરી વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા ભાઈ-બહેનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ ખૂની હુમલાની ઘટનામાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસે ઘવાયેલા યુવતીના ભાઈનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. તેમજ બનાવનું સાચુ કારણ જાણવા તપાસ આરંભી છે.
વધુ વિગતો મુજબ, મેટોડા ગેઈટ નં.2માં રહેતાં અને મજુરી કામ કરતાં અશ્ર્વિનભાઈ પ્રેમજીભાઈ જોગદીયા (ઉ.26) અને તેમના બહેન પ્રભાબેન (ઉ.28) આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે કોઈ અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને છરી લઈ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પ્રભાબેનને ગંભીર ઈજા પહોંચતાં તેઓને અને તેમના ભાઈને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જેમાં પ્રભાબેન હાલ બેભાન હાલતમાં છે. આ ઘટનાની જાણ મેટોડા પોલીસને કરવામાં આવતાં મેટોડા પોલીસે અશ્ર્વિનનું નિવેદન લઈ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
અશ્ર્વિને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે તેમના બહેન પ્રભાબેન નીચેના રૂમમાં સુતાં હતાં અને પોતે ઉપરના રૂમે સુતો હતો અને માતા-પિતા સવારે જ પોતાના કામે નીકળી ગયા હતાં. સવારે આઠેક વાગ્યે પોતે દૂધ લેવા જાગ્યો ત્યારે નીચેના રૂમમાં અવાજ આવતો હતો અને ત્યાં જઈને જોયું તો એક અજાણ્યો બુકાનીધારી શખ્સ બહેન પ્રભા પર છરી વડે હુમલો કરતો હતો અને તેને છોડાવવા વચ્ચે પડતાં તેમણે અશ્ર્વિન પર પણ હુમલો કરી દીધો હતો. પ્રભાબેન ત્રણ ભાઈ બે બહેનમાં નાના છે. અશ્ર્વિન કંપનીમાં કામ કરે છે. આ ઘટનામાં મેટોડા પોલીસે જણાવ્યું હતું કે, હાલ પ્રેમ સંબંધ અને લુંટના ઈરાદે થઈ હોવાની શંકાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ઘટનાની આજુબાજુની સોસાયટીનાં સીસીટીવી ફુટેજ પણ તપાસમાં આવી રહ્યાં છે.

