ગુજરાત
કુવાડવા રોડ પર આવાસ ક્વાર્ટરમાં મહિલા ઉપર પૂર્વ જેઠના પુત્ર, જમાઈ સહિતના શખ્સોનો ખૂની હુમલો
દોઢેક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પૂર્વ જેઠ નિકાહ કરવા દબાણ કરતો હોવાથી અગાઉ ઝઘડો થયો હતો : ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી દીધા, આરોપીઓ સકંજામાં
શહેરના કુવાડવા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસી પૂર્વજેઠના પુત્ર, જમાઈ સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ઈજાર્ગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. દોઢેક વર્ષ પહેલા છુટાછેડા થઈ જતાં પૂર્વ જેઠ નિકાહ કરવા દબાણ કરતો હોવાથી અગાઉ પણ ઝઘડો થયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીઆરોપીઓને સકંજામાં લીધા હતાં.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા રેશમાબેન યુનુસભાઈ બેલીમ (ઉ.વ.35) નામના મહિલા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે રામનાથપરામાં રહેતા પૂર્વ જેઠ મહેબુબના પુત્ર ટીપુ, મહેબુબના જમાઈ સોહીલ અને એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી છરી વડે જીવલેણ હુમલો કરી પેટ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં રેશ્માબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે રેશ્માબેનના ભત્રીજા શોએબ બોદુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ તેના માસી રેશ્માબેનના લગ્ન 2005માં રામનાથપરા આરીફ સમા સાથે થયા હતા દોઢેક વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થઈ જતાં કૌટુંબીક જેઠ મહેબુબ સમા તેની સાથે નિકાહ કરવા માંગતો હતો. પરંતુ સંતાનોને રાખવા માંગતો ન હોવાથી નિકાહ કરવાની ના પાડી દીધી હતી. જેથી મહેબુબ અવારનવાર ધમકીઓ આપી લગ્ન કરવા દબાણ કરતો હતો. 20 દિવસ પહેલા પણ આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં ગત રાત્રે મહેબુબના પુત્ર, જમાઈ સહિત ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસી રેશ્માબેનને છરીનાઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બી ડિવિજન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ એસ.એસ. રાણે તપાસ હાથ ધરી છે. આરોપીઓ પોલીસ સકંજામાં હોવાનું જાણવા મળ્યું છે.