ક્રાઇમ

થાનમાં પ્રેમિકાના પતિ સહિતનાઓના હાથે પિતા-પુત્રની હત્યા

Published

on

થાનના રૂપાવટી રોડ ઉપર વાડીએ રહેતા કોળી પરિવાર ઉપર કાકા-ભત્રીજા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરતા આ હુમલામાં પિતા-પુત્રનું મોત થયું હતું. જ્યારે પરણીતા અને તેના સાસુને ઈજા પહોંચી હતી. આ બેવડી હત્યા પાછળનું કારણ એવું છે કે, પતિને તરછોડી ચારમહિનાથી પ્રેમીના ઘરે રહેતી પરણીતાના પતિ એન તેના કાકા સહિતના શખ્સોએ બદલો લેવા માટે હુમલો કર્યો હતો. જે હુમલામાં પરણીતા અને મૃતકના માતાને પણ ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના થાન પાસે રૂપાવટી રોડ ઉપર રામાધણીનેહમાં રહેતા મુળ સાયલા તાલુકાના ગઢવાળા ગામના વતની ભાવેશભાઈ ઘુઘાભાઈ બજાણિયા સાથે છેલ્લા ચાર મહિનાથી મૈત્રી કરાર કરીને રહેતી સંગીતાના પતિ દિનેશ સાપરાને પત્ની પોતાને તરછોડી પેમી સાથે રહેતી હોય તે બાબતનું મનદુખ ચાલતુ હતું. ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે ભર ઉંઘમાં સુતેલા ભાવેશભાઈ ઘુઘાભાઈ બજાણિયા ઉ.વ.27 અને તેના પરિવાર ઉપર દિનેશ સાપરા અને તેના કાકા દિનેશ સાબરિયા અને જયેશે હુમલો કર્યો હતો. ભર નિંદ્રામાં સુતેલા પરિવાર ઉપર હુમલો થતાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં સંગીતાના પ્રેમી ભાવેશ ઘુઘા બજાણિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પિતા ઘુઘાભાઈ દાનાભાઈ બજાણિયા ઉ.વ.60 અને માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણિયા ઉ.વ.58ને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ઘુઘાભાઈ દાનાભાઈ બજાણિયાનું પણ ટુંકી સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ બેવડી હત્યામાં પલ્ટાયો છે.


બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર ડીવાયએસપી વિશાલ રબારી સહિતનો સ્ટાફ તાત્કાલીક થાન ખાતે દોડી ગયો હતો. તેમજ ઈજાગસ્ત મંજુબેની ફરિયાદ માટે થાન પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મુળ સાયલાના ગઢવાળા ગામના ઘુઘાભાઈને સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાં મોટો વિજય ત્યાર બાદ રાજેશ અને સૌથી નાનો મૃતક ભાવેશ હતો. ભાવેશને સંગીતા સાથે છેલ્લા 7 વર્ષથી પ્રેમ સબંધ હતો. પરંતુસંગીતાના લગ્ન વાંકાનેરના માંડાસર ગામના દિનેશ સાથે ગત ફેબ્રુઆરીના રોજ થઈ ગયા હતાં. પરંતુ સંગીતાને દિનેશ સાથે ફાવતુ ન હોય તે ચાર મહિના પૂર્વે પતિ દિનેશને તરછોડી ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ મામલે આગઉ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. અને જે તે વખતે સમાધાન થયું હતું. પરંતુ દિનેશને પોતાની પત્ની પોતાને તરછોડી પ્રેમી સાથે રહેતી હોય તે ગમતુ ન હોય જેથી તે બદલો લેવા માટે સળગતો હતો. અને ગઈકાલે રાત્રે દિનેશ અને તેના કાકા દિનેશ સાબડિયા તથા જયેશે ભાવેશના ઘર ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સંગીતાને પણ પતિ દિનેશે ઢસડીને માર માર્યો હતો. જો કે, તેને સામાન્ય ઈજાઓ થઈ હોય તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.


આબનાવ અંગે પોલીસે મૃતકના માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણિયાની ફરિયાદના આધારે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. એક જ પરિવારના પિતા-પુત્રની હત્યાથી કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવીતપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version