જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝબ્બે

સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ જ રચી સાજિશ: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી જામનગર શહેરમાં ગઈકાલે સવારે સુભાષ બ્રિજ…

સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ જ રચી સાજિશ: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી

જામનગર શહેરમાં ગઈકાલે સવારે સુભાષ બ્રિજ નજીક રંગમતી નદીના કાંઠે અજાણ્યા વ્યક્તિ ની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના બનાવનો એલ.સી.બી. પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ લૂંટના ઇરાદે થયેલ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મૃતકના પુત્ર એવા ફરીયાદી અસગર ઇસમાઇલ કેર દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂૂનભાઈ કેરની અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગંભીર બનાવના અનુસંધાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના સુપરવિઝનમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા બનાવ સ્થળની ઝીણવટભરી તપાસ સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટેક્નિકલ સેલ અને માનવ સૂત્રોના આધારે એક પછી એક કડીઓ જોડવામાં આવી હતી. સતત પ્રયત્નો બાદ એલ.સી.બી. ટીમે મહેબુબ મહમદહુસેન સચડા, રહે. જામનગર વાધેરવાડાને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

તપાસમાં ખુલ્યું કે આરોપી અને મરણજનાર એકબીજાને ઓળખતા હતા. મરણજનાર મચ્છીનો ધંધો કરતા હોવાથી તેમની પાસે રોકડ રકમ રહેતી હોવાની માહિતી આરોપીને હતી. જેના આધારે આરોપીએ મરણજનારને રંગમતી નદીના પુલ નીચે બોલાવી દોરી વડે ગળું દબાવી હત્યા કરી અને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લાશને પાણીમાં ફેંકી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 (1), 309 (2), 309 (6) અને 311 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રોહીબીશન ગુનામાં નાસતા આરોપીની અટકાયત
જામનગર જિલ્લામાં જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા સૂચનાઓ આપવામાં આવતા, જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની ટિમ જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમારને મળેલ બાતમીના આધારે પંચકોષી એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ), (ઇ), 81, 98(2) હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી હિતરાજસિંહ ઉર્ફે હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા (રહે. ગાંધીનગર પાછળ, પુનીતનગર, ગરબી ચોક, જામનગર)ને જામનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર અતિથી હોટલ પાસેથી પો.હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડીયાએ ઝડપી પાડ્યા હતા.

આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.