વસ્ત્રાલના તળાવમાં મનપાના ઓક્સિજન મશીન બંધ, હજારો માછલીના મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને જીવદયા પ્રેમીઓનું કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાંથી એક અત્યંત ચોંકાવનારી અને જીવદયા પ્રેમીઓનું કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે તળાવમાં રહેલી અસંખ્ય માછલીઓના સામૂહિક મોત નીપજ્યા છે. તળાવના કિનારે હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ કરુણ ઘટના પાછળનું મુખ્ય કારણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે. તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા માટે ત્યાં 6 જેટલા ઓક્સિજન મશીનો વસાવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મશીનો માટે કોન્ટ્રાક્ટરને નિયમિતપણે મોટું ભાડું ચૂકવે છે, તેમ છતાં અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિને કારણે એક પણ મશીન ચાલુ કરવામાં આવ્યું ન હતું.

લાંબા સમયથી ઓક્સિજન મશીનો બંધ હાલતમાં હોવાના કારણે તળાવના પાણીમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાને કારણે તળાવના અસંખ્ય જળચર જીવો પાણીની અંદર જ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અને અંતે હજારો માછલીઓએ તરફડીને પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાએ એએમસીના પ્રી-મોન્સૂન અને જળચર જીવોની સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે.