ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની હાલ આઈપીએલમાં સીએસકે તરફથી રમવા મેદાનમાં ક્યારે ઉતરશે તેના કારણે ચર્ચામાં છે. આ સિવાય અન્ય એક કારણસર પણ તે સમાચારમાં છે. બિહાર-ઝારખંડમાંથી ધોનીએ સૌથી વધારે ઈન્કમટેક્સ ભર્યો છે. આ જાણકારી ઈન્કમટેક્સ વિભાગના આંકડા પરથી સામે આવી છે.
મળતી વિગત પ્રમાણે, ઈન્કમટેક્સ વિભાગે 2025-26 દરમિયાન બિહાર અને ઝારખંડમાંથી કુલ મળીને આશરે 20,000 કરોડ રૂૂપિયાનો ટેક્સ એકત્ર કર્યો છે. બંને રાજ્યોના મળીને વ્યક્તિગત કરદાતાઓમાં સૌથી વધારે ટેક્સ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ધોનીએ ગત નાણાકીય વર્ષમાં 50 કરોડથી વધારેનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.
જોકે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ બિહાર-ઝારખંડના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ ડો. ડી સુધાકર રાવે પુષ્ટિ કરી કે, વ્યક્તિગત કરાદાતામાં સૌથી વધારે ટેક્સ ભરવામાં ધોની બંને રાજ્યોમાં નંબર-1 છે. ધોનીની આ કમાણી તેના વિવિધ બિઝનેસ વેંચર્સ, જાહેરખબર અને આઈપીએલથી થતી કમાણીનો હિસ્સો છે.

