મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇ

‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન…

‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન નથી. મહાનગરપાલિકા પોતે તો તેમની રીતે શક્ય તમામ પ્રયાસ કરે જ છે પણ જરૂૂર છે લોકોના સહકારની, જનજાગૃતિની. પરંતુ અફસોસ છે કે, સમાજના કેટલાક દુશ્મનો ‘હમ નહીં સુધરેંગે’ની જેમ શહેરને ગોબરુ કરવાની ટેવ સુધારતા નથી. આવા તત્વોને પાઠ ભણાવવા તેમજ તંત્ર દ્વારા થતી રાત્રિ સફાઇનું પણ સાથે નિરિક્ષણ કરવા માટે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સાથે રાત્રિ રોનમાં નીકળ્યા હતા. મહિલા કોલેજ ચોકથી કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગરોડ પર હોટલ-રેસ્ટોરેન્ટ, આઇસ્ક્રીમ પાર્લર, કાફે સહિત ખાણીપીણીના સ્થળે ચેકીંગ કર્યુ હતુ. ડસ્ટબીન ન રાખનારા ધંધાર્થીઓ તેમજ શહેરને ગોબરુ કરનારા તત્વોને કડક ચેતવણી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા તા. 17 સપ્ટે.થી 17 ઓક્ટોબર, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને વેગ આપવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત મોડીરાત્રે મહિલા કોલેજ અંડરબ્રિજથી કિસાનપરા ચોક, બાલભવન ચોક તથા રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ રોડ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમણે ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ દ્વારા ડસ્ટબિનની વ્યવસ્થા અને કચરાના યોગ્ય નિકાલની સઘન ચકાસણી કરી સ્વચ્છતા બાબતે બેદરકારી ન દાખવવા કડક સૂચના આપી હતી. આ તકે તેમણે નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકીને રાજકોટને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહયોગ આપવા અપીલ કરીને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અંગે કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

આ અગાઉ વહેલી સવારે અને બપોરે સ્વચ્છતા લક્ષી કામોનું ચેકિંગ કર્યા બાદ, કમિશનર તુષાર સુમેરાએ ગત મોડીરાત્રે પણ શહેરમાં ઉતરીને રાત્રી સફાઈ સહિતની બાબતો અંગે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ ધંધાર્થી વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ અને વ્યવસ્થાની સઘન ચકાસણી કરી હતી.
ચેકીંગ દરમિયાન નાગરિકોને શહેરને સ્વચ્છ રાખવા માટે સહયોગ આપવા કમિશનર તુષાર સુમેરાએ અપીલ કરી હતી. તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો કે, સ્વચ્છતા માત્ર મનપાની એકલાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સક્રિય સહભાગિતાથી જ આ એક સફળ જનઆંદોલન બની શકે છે. સૌના સામુહિક સહયોગથી જ રાજકોટને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે.

અમુક હોટલ-રેસ્ટોરેન્ટ-કાફેનું ફૂડ વેસ્ટની ગંદકીનું મોટુ દૂષણ, કમિશનર ચોંકી ઉઠ્યા
હોટલ-રેસ્ટોરેન્ટ-કાફે સહિત ખાણીપીણીના કેટલાક ધંધાર્થીઓનું એ કાયમી મોટુ દુષણ છે કે રાત્રે ફૂડ વેસ્ટ જાહેરમાં જ્યા ખુલ્લો પ્લોટ કે ખુલ્લી જગ્યા જોવા મળે ત્યા ફેંકી દેવામા આવે છે. મહાપાલિકાએ ફૂડ વેસ્ટ માટે ખાસ અલગથી ટીપરવાનની સુવિધા આપવા છતા ખાણીપીણીના કેટલાક ધંધાર્થીઓ ટીપરવાનમાં નાખવાની તસ્દી લેતા નથી. આ બાબત જાણી કમિશનર તુષાર સુમેરા ચોંકી ઉઠ્યા હતા. ખાસ કરીને રાત્રિ ફૂડ બજાર, રાત્રે જ ધમધમતી હોય તેવી હોટલ-રેસ્ટોરેન્ટ-કાફે દ્વારા થતુ આ દુષણને ડામવા માટે જ કમિશનર જાતે રાત્રિ રોનમાં નીકળ્યા હતા. ખાણીપીણીના ધંધાર્થીઓને કડક ચેતવણી આપી હતી કે, ટીપરવાનના બદલે અન્યત્ર ફૂડ વેસ્ટ નાખશો તો પેઢીને સીલ કરી દેવા સુધીના કડક પગલાં લેવામા આવશે.