2019 પહેલાના તમામ જન્મના દાખલાઓમાં સિંગલ પેરેન્ટસના નિયમની અમલવારી શરૂ
મૃતક વ્યક્તિના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક વૈકલ્પિક ગણાશે
સરકાર દ્વારા જન્મ-મરણના દાખલામાં થતા સુધારા વધારાના નિયમોમા મોટા ફેરફારો કરી દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ તથા પંચાયતોને સુચના આપી છે. હાલમાં બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટસ અને તેમજ મરણના દાખલામાં આવતા અમુક ફરજિયાત નિયમો રદ કરી જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનુ નામ લખવાનો નિયમ મહાનગરપાલિકા દ્વારા અમલી બનાવવામાં આવ્યો છે. પરંતુ 2019 બાદનો ડેટા રીકવર થતો ન હોવાથી હાલમાં 2019 પહેલાના તમામ જન્મના દાખલાઓમાં સિંગલ પેરેન્ટસના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
ગુજરાતના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા અંગેની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપતો એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બર, 2025ના રોજ, એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ નવા નિયમો ખાસ કરીને બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ્સને મોટી રાહત આપશે. આ પરિપત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલવારી શરૂ કરવામાં આવી છે.
જો છૂટાછેડા લીધેલા દંપતીના કિસ્સામાં બાળકની કસ્ટડી કોર્ટના આદેશ મુજબ માતા પાસે હોય, તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં તેના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. પિતાના નામની કોલમમાં જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં, તે ફરજિયાત જ રહેશે. જોકે, આ નામ બાળકના પૂર્ણ નામના ક્રમમાં વૈકલ્પિક બનાવી શકાય છે. અરજદારની ઈચ્છા મુજબ, બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ તેમ (અટક) બંને વૈકલ્પિક (Optional) રહેશે. એટલે કે દાખલામાં માત્ર ’બાળકનું નામ’ જ રાખી શકાશે. હવે બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવાની છૂટ આપવામાં આવી છે.
નાગરિકોને સૌથી મોટી રાહત આપતો નિયમ એ છે કે હવે જન્મ-મરણની નોંધમાં એકથી વધુ વખત સુધારો કરી શકાશે. અગાઉ, 2007ના નિયમો મુજબ રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. હવે, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂૂૂરી સુધારા કરી શકાશે. મરણના પ્રમાણપત્રમાં પણ સુધારો કરાયો છે. હવે મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક ગણાશે.મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ નવી એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
હવે અનેક વખત સુધારાઓ થઇ શકશે
સરકાર દ્વારા 2007માં નિયમ અમલમાં મુકવામાં આવેલ જેમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો થઇ શકતો હતો. પરંતુ હવે સંજોગો અને નિયમો બદલાયા છે. જેથી હવે જન્મના દાખલામાં વધુ સુધારા વધારા અનેક વખત થઇ શકશે જેના માટે યોગ્ય આધાર પુરાવા રજૂ કરવા ફરજિયાત રહેશે.

