Site icon Gujarat Mirror

સ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યું

જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતી રેશમાબેન સંજયભાઈ નામની 39 વર્ષની એક મહિલા આજે સવારે પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જવા માટે પોતાના જી.જે. 10- ઇ.ડી. 5936 નંબરના સ્કૂટર પર જઈ રહી હતી, જે દરમિયાન કાચા રસ્તા પાસે એકાએક તેનું વાહન ખાડાના કારણે નમી ગયું હતું, અને પાસે જ બનાવાયેલા ભૂગર્ભ ગટરની કુંડીના મોટા ખાડામાં માતા-પુત્ર બંને પડ્યા હતા.

આ બનાવ બાદ ત્યાંથી પસાર થનારા અન્ય વ્યક્તિનું તેના પર ધ્યાન પડી જતાં તુરતજ 108 નંબરની ટુકડીને બોલાવી લીધી હતી, અને આશરે 15 ફૂટ ઊંડા ગટરના ખાડામાં થી સ્થાનિકો તેમજ 108 ની ટુકડી વગેરેએ મહિલા અને બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જોકે બાળકને કોઈ ઈજા થઈ ન હતી, અને તેનો બચાવ થયો હતો. જયારે માતા રેશ્માબેન ઇજાગ્રસ્ત બની હોવાથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીની હાલત સુધારા પર છે. આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, તેમજ હોસ્પિટલમાં દોડતો થયો છે.

Exit mobile version