સુરતમના ભીમરાડમાં લુમ્સના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ માં સ્થાપિત ગણેશ મંડપ થી નજીક જ માતા પુત્ર પટકાયા હતા અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂૂ કરી હતી. જોકે કારખાને દારની પત્ની આવું હિચકારો પગલું કયા કારણસર ભર્યો તે મોડી રાત સુધી પોલીસ જાણી શકી ન હતી.
મહેસાણાના વતની અને ભીમરાડ માર્તન્ડ હિલ્સમાં એ વીંગમાં છઠ્ઠા માળે રહેતા વિલેષકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે અને 30 વર્ષીય પત્ની પૂજા અને 3 વર્ષીય એકના એક પુત્ર ક્રિશિવ સાથે રહે છે. બુધવારે મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને તેમના બિલ્ડિંગના સી વિંગમાં 13માં માળે ડ્રેસ સિવડાવવા માટે ગયા હતા. જ્યાં 13માં માળેથી પૂજાબેને તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈક કારણસર અચાનક પડતું મૂકી દીધું હતું.
માતા-પુત્ર બિલ્ડિંગમાં સ્થાપિત ગણપતિ મંડપથી નજીક જ પટકાયા હતા.
સ્થાનિક કોઈક વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પાંડેસરાની પીસીઆર ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના અલથાણ પોલીસ મથકની હદમાં બની અને જાણ થતા અલથાણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂૂ કરી હતી. જોકે પૂજાબેન પુત્ર સાથે આવું પગલું કયા કારણસર ભરી લીધું તે પોલીસ મોડે સુધી જાણી શકી ન હતી.

