‘તમારા ત્રાસથી હું આપઘાત કરીશ’ તેવો જમાઈએ વીડિયો મોકલતા સાસુએ એસિડ પીધું

વડવાજડીની ઘટના; રિસામણે બેઠેલી પરિણીતાએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિ ધમકાવતો હોવાનો આક્ષેપ શહેરની ભાગોળે વડવાજડી ગામે રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિએ…

વડવાજડીની ઘટના; રિસામણે બેઠેલી પરિણીતાએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિ ધમકાવતો હોવાનો આક્ષેપ

શહેરની ભાગોળે વડવાજડી ગામે રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિએ ‘હું તમારા ત્રાસથી આપઘાત કરીશ’ તેવો વિડિયો મોકલ્યો હતો. જમાઈની ધમકીથી ડરી જઈ સાસુએ એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં કાલાવડ રોડ પર આવેલા વડવાજડી ગામે રહેતાં રસીલાબેન પરમાર નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. પ્રૌઢાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં રસીલાબેન પરમારને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રસીલાબેનની દીકરી મોનાલીબેન છેલ્લા છ મહિનાથી રિસામણે બેઠી છે અને મોનાલીબેને પતિ સિધ્ધાર્થ પરમાર વિરૂધ્ધ ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે. જેથી જમાઈ સિધ્ધાર્થ તમારા ત્રાસથી હું આપઘાત કરીશ તેવો વિડિયો બનાવી મોકલ્યો હતો. જમાઈની ધમકીથી ડરી જઈ રસિલાબેન પરમારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.