રેલનગરમાં પેટ્રોલ પંપ પર લાઈન તોડી પેટ્રોલ પુરાવા મામલે મહિલા એડવોકેટને માતા-પુત્રની ધમકી

શહેરના રેલનગર વિસ્તારના વિવેક પેટ્રોલ પંપ પર ગત તા. 31 જુલાઈના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં લાઇન તોડીને પેટ્રોલ આપવા બાબતે બોલાચાલી થયા બાદ એક…

શહેરના રેલનગર વિસ્તારના વિવેક પેટ્રોલ પંપ પર ગત તા. 31 જુલાઈના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં લાઇન તોડીને પેટ્રોલ આપવા બાબતે બોલાચાલી થયા બાદ એક મહિલા વકીલ ઉપર હુમલો કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છત્રપતી શિવાજી ટાઉનશીપમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા હિરલબેન હસમુખભાઈ જાની પોતાનું એક્ટિવા લઈને રેલનગર સ્થિત એચ.પી.ના વિવેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા અને લાઈનમાં ઊભા હતા. તે દરમિયાન એક અજાણ્યો પુરુષ લાઈન તોડીને ટીનના ડબ્બામાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ ભરાવતો હોવાથી હિરલબેને તેનો વિરોધ કર્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને તે શખ્સે ફરિયાદી મહિલા વકીલ સાથે અસભ્ય વર્તન કરી ભુંડી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

થોડીવાર પછી તે જ શખ્સ પોતાની માતાને લઈને ત્યાં આવ્યો હતો અને બંનેએ મળીને વકીલ હોવાની કોઈ બીક નથી તેમ કહી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલા વકીલની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધીને પી.એસ.આઈ. કે.કે. ચાવડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા એડવોકેટને ધમકી આપનાર આરોપીનો કેસ નહીં લડવા વકીલોને અનુરોધ
રાજકોટ બાર એસોસિએશનના મહિલા કારોબારી સભ્ય હીરલબેન જોશી (જાની) સાથે અશોભનીય વર્તન કરવા તેમજ મારી નાખવાની ધમકી આપવા બદલ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે હીરલબેન દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જણાવ્યા અનુસાર, વકીલોએ પોતાની નૈતિક ફરજ સમજી આ કેસના આરોપીઓ વતી કોઈ પણ વકીલે બચાવ પક્ષે નહિ રોકવા અનુરોધ કરવામાં આવ્યો છે.