Site icon Gujarat Mirror

મોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોત

oplus_2097184

કહેવાય છે કે કુદરત ક્યારેક અત્યંત ક્રૂર મજાક કરે છે. મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. ઘર આંગણે પુત્રનો જન્મ થયો હોવા છતાં, તે બાળકને વ્હાલ કરનાર માતા જ હવે આ દુનિયામાં રહી નથી. પ્રસૂતિ બાદ તબિયત લથડતા ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયેલી 28 વર્ષીય મહિલાનું ઓપરેશન બાદ કરૂૂણ મોત નિપજ્યું છે.

મળતી વિગત મુજબ, મોરબીના બેલા ગામે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા રાજુભાઈ પાસવાનના પત્ની સુમનબેન (ઉં.વ. 28) ને ગત તારીખ 14-03ના રોજ પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેમને તાત્કાલિક મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સુમનબેને એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારમાં દીકરાના જન્મની ખુશીઓ છવાઈ હતી, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં.

બાળકના જન્મ બાદ અચાનક સુમનબેનની તબિયત બગડવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટના નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલી સાર્થક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તપાસ દરમિયાન મહિલાની તબિયત વધુ નાજુક જણાતા ગર્ભાશયનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

નિસહાય પતિ રાજુભાઈએ પોતાની પત્નીનો જીવ બચાવવા માટે આકરી મહેનત કરી અને અંદાજે 5 લાખ રૂૂપિયા જેટલી માતબર રકમ સારવાર પાછળ ખર્ચી નાખી હતી. તેમ છતાં, વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. સારવાર દરમિયાન ગત રોજ સુમનબેને અંતિમ શ્વાસ લીધા હતા.

સુમનબેનના આકસ્મિક અવસાનથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેમને સંતાનમાં પહેલેથી એક પુત્ર અને એક પુત્રી છે. હવે, પાંચ દિવસ પહેલા જન્મેલા નવજાત પુત્ર સહિત ત્રણેય સંતાનોએ માતાની મમતા ગુમાવી દીધી છે. જે પિતા પત્નીના સાજા થવાની અને બાળકને રમાડવાની આશા રાખી રહ્યા હતા, તેમના પર હવે ત્રણેય બાળકોની જવાબદારી અને પત્નીના વિરહનું દુ:ખ આવી પડ્યું છે.

Exit mobile version