મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (2) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે. કાનાભાઈનાં હુલામણા નામથી જાણીતા શ્રી કાંતિલાલ અમૃતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે 4500 વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમૃતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ’ (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. મચ્છુ ડેમ (2)ના કાંઠે આવેલી ટ્રસ્ટની 1200 વીધા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.
જ્યારે અમે એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનો નિર્ણય કર્યો ત્યારે વૃક્ષારોપણ માટે મોટુ કારત કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમની મદદથી વિગતવાર આયોજન કર્યું, અભિયાનનાં પ્રારંભિક તબક્કાની યાદોને તાજી કરતાં શ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું.
અમારા આ યજ્ઞમાં સદભાવના વૃદ્ધાશ્રમને જોડ્યું. જમીન પડતર હતી એટલે સૌથી પહેલા તેને સમથળ કરી. માટીની ગુણવત્તા સુધારવા બહારથી હજ્જારો ટન સારી માટી અહીં ઠાલવી. મોટી માત્રામાં છાણીયું ખાત્તર નાંખી જમીનને ફળદ્રુપ બનાવી. 1200 વીઘા જમીનની ફરતે રફ ફેન્સિગ કર્યું. આ પછી વૃક્ષારોપણ માટે એક સાથે 500 માણસો જોડ્યા. રોજ અંદાજે 25 થી 30 હજાર વૃક્ષો વાવવાનું ભગીરથ કામ હાથ ધર્યું. માત્ર 37 દિવસનાં અથાક પ્રયત્નનાં અંતે અમે 10 લાખ વૃક્ષો વાવ્યા,” શ્રી કાંતિલાલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું.
વર્ષ 2025માં સપ્ટેમ્બર 17નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ‘નમો વન’નું લોકાર્પણ થયું.
કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, દસ લાખ વૃક્ષોને નિયમિત ખાતર અને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું સંચાલન સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે. આજે આઠ મહિના પછી, આ દસ લાખ રોપા હવે મોટા થઇ વૃક્ષો બની ગયાં છે.
કેન્સરની સર્જરી પછી મને નવું જીવન મળ્યું જે પ્રાકૃતિક ખેતી વૃક્ષારોપણને સમર્પિત કરવા માગુ છું
કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકૃતિક ખેતી, અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય, છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિલાલ અમૃતિયાએ શેષ જીવનનો મર્મ સમજાવતા કહ્યું.
