ચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટ

રાજકોટ-જામનગર-પોરબંદર-દ્વારકા અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, જન્માષ્ટમીના તહેવારોની ખુશી ફિક્કી પડી ચાલુ વર્ષે ચોમાસુ મોડુ બેઠા બાદ વરસાદના માંડ બે રાઉન્ડ થયા છે. ત્યાં…

રાજકોટ-જામનગર-પોરબંદર-દ્વારકા અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, જન્માષ્ટમીના તહેવારોની ખુશી ફિક્કી પડી

ચાલુ વર્ષે ચોમાસુ મોડુ બેઠા બાદ વરસાદના માંડ બે રાઉન્ડ થયા છે. ત્યાં લાંબા સમયથી મેઘરાજા અદ્રશ્ય થઇ જતા ખેડૂતોની હાલત દયાજનક બની ગઇ છે અને મુરઝાતી મોલાત કાઢી પશુઓને ખવડાવી દેવા ખેડૂતો મજબૂર બન્યા છે.

ચોમાસાના અઢી માસ જેવો સમય પુરા થઇ ગયો છે અને હવે એકાદ માસની સિજન બાકી છે પરંતુ છેલ્લા 24 દિવસથી વરસાદ ગુમ થઇ ગયો છે. સૌરાષ્ટ્રની વાત લઇએ તો સરેરાશ 56 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં માત્ર 29 ટકા જ વરસાદ નોંધાયો છે. તેમાં અમરેલી જિલ્લામાં 73.89 ટકા, જૂનાગઢમાં 55.65 ટકા, ગિર સોમનાથ જિલ્લામાં 46.62 ટકા, ભાવનગરમાં 71 ટકા, બોટાદમાં 71 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 82.83 ટકા અને મોરબી જિલ્લામાં 80 ટકા વરસાદ પડ્યો છે.

પરંતુ રાજકોટ (47 ટકા), જામનગર (28.88 ટકા), દ્વારકા (6.41 ટકા) અને પોરબંદર જિલ્લામાં (18.12 ટકા) વરસાદને કારણે દૂષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસુ પાક ઉપર ગંભીર સંકટ સર્જાયુ છે.
ખાસ કરી ને દ્વારકા, જામનગર, પોરબંદર, અને કચ્છમાં માત્ર 17% વરસાદ નોંધાયો છે, જ્યાં 60 દિવસથી વરસાદ નથી. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતરો પાછળ ખર્ચ કર્યા બાદ મગફળી, કપાસ સહિતનો પાક મુરઝાઈ રહ્યો છે અને ખેડૂતો સુકાઇ રહેલા મગફળી-કપાસ ઉપાડવા મજબૂર બન્યા છે.

ગુજરાતભરમાં ચોમાસાની સીઝનમાં શરૂૂઆતમાં સારો વરસાદ આવવાની આશા સાથે ખેડૂતોએ ભારે જોખમ ઉઠાવીને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી. મોંઘા ભાવના બિયારણો, ખાતરો અને મજૂરી પાછળ ખર્ચ કરીને ખેડૂતોએ હોંશે-હોંશે સીઝનનું ચોમાસું વાવેતર શરૂૂ કર્યું હતું પરંતુ, વરસાદે અચાનક જ વિરામ લેતાં હવે ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા છે. જળના અભાવે ચિંતા એવી છે કે, જો વરસાદ નહિ આવે તો, મગફળી સહિતનો પાક મુરઝાઇ જશે. એટલું જ નહી, ખેત ઉત્પાદન ખર્ચ માથે પડે તેમ છે.

આ વખતે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી, સુરત, ભરૂૂચ, ડાંગમાં તો ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને હવે એ ચિંતા સતાવી રહી છે.

ગુજરાતમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની સ્થિતિ ચિંતાજનક છે કારણકે, આ જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરાઇ છે કે, ચાર અઠવાડિયા સુધી વરસાદ ન આવે તો, તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આ ચારેય જિલ્લામાં 60 દિવસથી વરસાદ જ વરસ્યો નથી. આ જોતાં સરકારે આ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ કારણકે, આ વિસ્તારોમાં માત્ર 17 ટકા સુધી જ વરસાદ વરસ્યો છે. મોટાભાગનો પાક સૂકાઇ રહ્યો છે. ઠેર ઠેર ખેડૂતો સિંચાઇનું પાણી આપવા પણ માંગ કરી રહ્યાં છે અને મુરઝાઇ રહેલો પાક કાઢીને ઢોરને ખવડાવી રહ્યા છે.

આ તરફ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું હોય તેવું જણાય છે. હવામાન વિભાગના મતે, ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાંય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશ તેમજ સ્થાનિક સ્તરે સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે ખેતરોમાં લહેરાતો ઊભો પાક હવે પાણી વિના મુરઝાવા લાગ્યો છે. સમયસર વરસાદ ન મળવાના કારણે ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતો માટે વરસાદી પાણી હવે મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોની આંખો હવે આકાશ તરફ જ મંડાયેલી રહી છે કે, ક્યારે વરસાદ વરસે. રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લામાં તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે પરિણામે ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. ઘણાં ખેડૂતોએ તો ખેતરોમાં ભેંસો છૂટી મૂકી દીધી છે જેથી ખેતરોમાં પાકનો સફાયો થઇ જાય.

વરસાદ ખેંચાતા ખેડૂતોની માત્ર ખેતીની ચિંતા નથી વધી, પરંતુ આગામી તહેવારોની ખુશી પણ જાણે ફિક્કી પડી ગઈ છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, પરંતુ પાક નિષ્ફળ જવાની ચિંતા વચ્ચે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળતી નથી, કેમ કે ખિસ્સામાં પૈસા જ નથી તો તહેવારો કેવી રીતે ઉજવશે.

વરસાદને ખેડૂતો માટે આખા વર્ષની આવકનો મુખ્ય આધાર માનવામાં આવે છે. વરસાદ સારો પડે તો ખેતરમાં પાક લહેરાય, પાકમાંથી આવક થાય અને એ પૈસા બજારમાં ખર્ચાય. પરંતુ જો વરસાદ જ ખેંચાઈ જાય અને પાક નિષ્ફળ જાય તો તેની અસર માત્ર ખેડૂતના ખેતર સુધી સીમિત રહેતી નથી. ખેડૂતની આવક ઘટે એટલે સ્થાનિક બજારો, વેપારીઓ, મજૂરો અને ખેતી સાથે જોડાયેલા અનેક લોકો પર પણ તેની અસર પડે છે. એટલે ચોમાસું નબળું રહેવું સમગ્ર ગ્રામ્ય અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની શકે છે.

મૂરઝાતી મોલાત ઉપર ટ્રેક્ટર ફેરવી પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર
રાજકોટ જિલ્લાના કેટલાક ખેડૂતો માટે આકાશનું પાણી હાલ મૃગજળ સાબિત થઈ રહ્યું છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે અને ખેડૂતોની આંખો હવે ખેતરમાં નહીં, પરંતુ આકાશ તરફ મંડાયેલી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાંથી સામે આવેલા દ્રશ્યો ખેડૂતોની વ્યથા સમજવા માટે પૂરતા છે. ખેતરમાં એક ખેડૂત ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને પોતાના જ હાથે વાવેલા પાકને જમીનમાંથી ઉખેડી રહ્યા છે. આ ખેડૂત છે ચિરાગભાઈ સાવલિયા. વરસાદના અભાવે તેમનો મગફળીનો પાક નિષ્ફળ જતા હવે તેને ખેતરમાંથી કાઢી નાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. ચિરાગભાઈ સાવલિયાએ પોતાના પાંચ વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. શરૂૂઆતમાં સારો વરસાદ પડતા તેમને પાક સારો આવશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ ત્યારબાદ માત્ર સામાન્ય વરસાદ થયો અને લાંબા સમય સુધી મેઘરાજાએ મોં ફેરવી લેતા મગફળીના પાક પર તેની સીધી અસર પડી. ખેડૂત ચિરાગભાઈના જણાવ્યા પ્રમાણે, તેમણે પાંચ વીઘા જમીનમાં મગફળીના વાવેતર પાછળ અંદાજે 70 હજાર રૂૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે વરસાદના અભાવે પાક બળી જતા આખી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે. પાકમાંથી આવક થવાની વાત તો દૂર રહી, હવે પોતાના જ ખેતરમાં ટ્રેક્ટર ફેરવીને મગફળીનો પાક કાઢી નાખવાનો વારો આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 47 ટકા વરસાદ
રાજકોટ જિલ્લામાં આ વખતે વરસાદ ગયા વર્ષની સરખામણીએ ઘણો ઓછો વરસ્યો છે, હાલ સરેરાશ 47 ટકા વરસાદ પડ્યો છે. જેમાં પડધરી તાલુકાના ખેડૂતો પણ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિછીયા તાલુકામાં થયો છે, વિછીયા તાલુકામાં 6.64 ઇંચ વરસાદ પડ્યો છે, ઉપલેટા તાલુકામાં 9.2 ઇંચ, જસદણ તાલુકામાં 9.84 ઇંચ, પડધરી તાલુકામાં 10.6 ઇંચ, કોટડા સાંગાણીમાં 14.56 ઇંચ, લોધીકા તાલુકામાં 15.60 ઇંચ, ધોરાજી તાલુકામાં 16.4 ઇંચ, રાજકોટ તાલુકામાં 16.76 ઈંચ, જામકંડોરણા તાલુકામાં 17.8 ઇંચ, જેતપુર તાલુકામાં 17.28 ઇંચ, ગોંડલ તાલુકામાં 18.88 ઇંચ વરસાદ પડ્યો હતો. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ખેડૂતોને પોતાનો મહામૂલો ખેતપાક પશુઓને ખવડાવો પડી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 5.21 લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. જેમાં મગફળીનું 3.24 લાખ હેકટરમાં અને કપાસનું 1.08 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની અછત યથાવત રહે તો આગામી દિવસોમાં ખેતી પર તેની અસર વધુ ગંભીર બની શકે છે.