રાજસ્થાન રોયલ્સમાં મોહમ્મદ શમીની એન્ટ્રી, સેમ કરન લખનૌમાં રમશે

IPL 2027ની રિટેન્શન ડેડલાઇન પહેલાં જ ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટાં સમાચાર સામે આવ્યા છે. આગામી સિઝન પહેલાં કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમને મજબૂત બનાવવા માટે મોટા…

IPL 2027ની રિટેન્શન ડેડલાઇન પહેલાં જ ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટાં સમાચાર સામે આવ્યા છે. આગામી સિઝન પહેલાં કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમને મજબૂત બનાવવા માટે મોટા ટ્રેડ કર્યા છે. રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે 3 ખેલાડીઓની અદલાબદલી થઈ છે. આ ટ્રેડ બાદ ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો છે, જ્યારે ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ હવે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો છે.

રાજસ્થાન રોયલ્સે આગામી સિઝન પહેલાં પોતાની બોલિંગને મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. ટીમે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પોતાની સાથે જોડ્યો છે.શમીના આગમનથી રાજસ્થાનની બોલિંગને વધુ અનુભવ અને મજબૂતી મળશે.ગયા સિઝનમાં રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી હતી,પરંતુ ટીમની પાવરપ્લે બોલિંગ નબળી રહી હતી. શરૂૂઆતની 6 ઓવરમાં રાજસ્થાને 10.14ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. હવે શમીના આગમનથી ટીમની આ મુશ્કેલી દૂર થવાની આશા છે.36 વર્ષીય શમી નવી બોલથી સ્વિંગ મેળવવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે જોફ્રા આર્ચર જેવા ઝડપી બોલરની જોડી રાજસ્થાન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. બંને બોલર શરૂૂઆતની ઓવરોમાં વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

મોહમ્મદ શમી ઉપરાંત સ્પિનર એમ. સિદ્ધાર્થ પણ રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ થયો છે. 28 વર્ષીય આ ડાબોડી સ્પિનર તમિલનાડુનો છે. તેણે અત્યાર સુધી આઇપીએલમાં 9 મેચ રમીને 9 વિકેટ ઝડપી છે.તેના નામે વિરાટ કોહલી જેવી મોટી વિકેટ પણ નોંધાયેલી છે. રાજસ્થાનને હવે સ્પિન વિભાગમાં પણ એક ઉપયોગી વિકલ્પ મળશે. શમી અને સિદ્ધાર્થ બંનેના આગમનથી ટીમના બોલિંગ આક્રમણમાં નવા વિકલ્પો ઉમેરાશે.
આ ટ્રેડમાં ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનનું નામ પણ સામેલ છે. સેમ કરન હવે લખનઉ સુપર જાયન્ટ્સની જર્સીમાં જોવા મળશે. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે.લખનઉની ટીમ માટે સેમ કરનનો સમાવેશ ખૂબ જ મહત્ત્વનો બની શકે છે. તે મધ્યમ ક્રમમાં બેટિંગ કરવાની સાથે ડાબા હાથથી ઝડપી બોલિંગ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમને એક ઉપયોગી ઓલરાઉન્ડરનો વિકલ્પ મળશે.

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર હર્ષલ પટેલનો પણ ટ્રેડ થયો છે. હવે તે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે. હર્ષલ પટેલ IPL ના અનુભવી બોલરોમાં સામેલ છે અને ડેથ ઓવરોમાં તેની બોલિંગ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.તેની સ્લો બોલ અને વિવિધ પ્રકારની બોલિંગ કરવાની ક્ષમતા ગુજરાત ટાઇટન્સ માટે ફાયદાકારક બની શકે છે.આમ, IPL 2027 પહેલાં જ રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. હવે તમામની નજર રિટેન્શન લિસ્ટ અને આગામી હરાજી પર રહેશે. આ ટ્રેડ બાદ આગામી સિઝનમાં ત્રણેય ટીમોની રણનીતિમાં કેટલો ફેરફાર જોવા મળે છે તે રસપ્રદ રહેશે.

IPL 2027 માટે તમામ 10 ટીમોની રિટેન્શન અને રિલીઝ લિસ્ટ મંગળવાર, આજે જાહેર થશે. BCCIએ આ માટે અંતિમ તારીખ નક્કી કરી છે, પરંતુ જાહેરાતનો ચોક્કસ સમય નક્કી કર્યો નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે મીની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. તે પહેલાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની સત્તાવાર યાદી BCCIને સોંપવાની રહેશે. ટીમો આ યાદી પોતાની વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ જાહેર કરશે.

છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે, ફ્રેન્ચાઇઝીઓ સામાન્ય રીતે સાંજે 5 વાગ્યા પછી રિટેન્શન અને રિલીઝ લિસ્ટ જાહેર કરે છે. આ વખતે પણ સાંજના સમયે જાહેરાત થવાની શક્યતા છે. જોકે, BCCI તરફથી કોઈ નિશ્ચિત સમય જાહેર કરવામાં આવ્યો નથી. એટલે ચાહકોએ ટીમોની સત્તાવાર જાહેરાત પર નજર રાખવી પડશે.