ગાંધીનગર ખાતે ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં શાસક પક્ષના કેટલાક ધારાસભ્યોની કામગીરી અને સંસદીય પ્રણાલી પ્રત્યેની અજ્ઞાનતા ખુલ્લી પડી ગઈ છે. ચૂંટણી જીત્યાના 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે તે અંગે યુવા નેતા હાર્દિક પટેલ, રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને ખુદ અધ્યક્ષસ્થાને બેઠેલા પૂર્ણેશ મોદી દ્વારા થયેલી ગંભીર ટેકનિકલ અને ફેક્ચ્યુઅલ ભૂલોના કારણે ગૃહમાં ચર્ચા જાગી હતી.
વિધાનસભામાં જ્યારે ’રાજ્ય રમતવીર પ્રોત્સાહન વિધેયક’ (બિન-સરકારી બિલ) રજૂ કરવાનો સમય આવ્યો, ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સંસદીય પ્રક્રિયાનો લોચો માર્યો હતો. નિયમ મુજબ, બિલ રજૂ કર્યા બાદ તેના પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પરંતુ હાર્દિક પટેલે બિલની માત્ર પ્રસ્તાવના વાંચીને શરૂૂઆતમાં જ તેને પરત ખેંચવાની વાત કરી દીધી હતી. આ સમયે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ બિલ પર પોતાનું પ્રવચન આપી રહ્યા હતા, જેને અધ્યક્ષે અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. અધ્યક્ષે હાર્દિક પટેલને ટકોર કરતા સીધું પૂછ્યું કે, “જો તમે બિલ પાછું ખેંચવા માંગતા હોવ તો તેના પર ચર્ચા ન થઈ શકે… શું તમે કાર્યવાહી ચાલુ રાખવા માંગો છો?” આ સાંભળીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા હાર્દિક પટેલે સંમતિ આપ્યા બાદ રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
ધારાસભ્યોની ભૂલો વચ્ચે, જ્યારે અધ્યક્ષની ખુરશી પર વરિષ્ઠ નેતા પૂર્ણેશ મોદી બિરાજમાન હતા, ત્યારે તેમનાથી પણ એક મોટી ચૂક થઈ ગઈ હતી. ગૃહની કાર્યવાહીનું સંચાલન કરતી વખતે પૂર્ણેશ મોદીએ ઉત્સાહમાં આવીને એવી સત્તાવાર જાહેરાત કરી દીધી કે ઓલિમ્પિક 2036 નું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. અમદાવાદ શહેરને હજુ સુધી માત્ર કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની જ પ્રાપ્ત થઈ છે, જ્યારે 2036 ના ઓલિમ્પિક માટે માત્ર દાવેદારી નોંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અધ્યક્ષ સ્થાનેથી બોલાયેલા આ ખોટા ફેક્ટ્સના કારણે ધારાસભ્યોના હોમવર્ક પર મોટા સવાલિયા નિશાન ઊભા થયા છે.

