અમરેલી
જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઇ પર હુમલો
જેટી પર વાહન લાંગરવા મામલે થયું હતું ઘર્ષણ, ધારાસભ્યના જમાઇ ચેતન શિયાળે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા એકને ઇજા
અમરેલીના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને બબાલ થયા બાદ ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો થતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. તેમને તત્કાળ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયા કાંઠે ધારાસભ્ય હીરા સોંલકીના વેવાઈ ને તેમની જ્ઞાતિના યુવક સાથે બોટ લાંગરવાની જેટી પર બોટ રાખવા બાબતે ચકમક ઝરી હતી જે અંગે ધારાસભ્યના વેવાઈ દ્વારા પોતાના દીકરા ચેતન શિયાળ જે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ છે અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે તે જાફરાબાદ બંદર ચોક પાસે આવેલ જેટી એ પહોચ્યા હતા ને સામે જૂથના યુવાન સામે રિવોલ્વર કાઢી હતી ત્યારે સામે જૂથના યુવક દ્વારા ચેતન શિયાળને માથાના ભાગે મચ્છી કાપવાની કુહાડી મારી દીધી હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. બોટ કિનારે રાખવા બાબતે રાત્રે ઘટેલી ઘટના થી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સામે જૂથના યશવંત નામના યુવાન ને હાથના ભાગે આંગળી નજીક રિવોલ્વર માંથી છૂટેલી ગોળી વાગી હોવાની વિગતો મળી રહી છે. અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ રાજુલા બાદ તાત્કાલિક ભાવનગર સારવારમાં ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાફરાબાદ જેટી પર વહાણ લાંગરવાને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે રિવોલ્વર કાઢી હતી. ચેતન શિયાળનો રિવોલ્વર સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે. ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા સામે પક્ષેથી હુમલો થયો હતો. યશવંત નામના માછીમારે ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કરતાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને માછીમાર યશવંતને પણ આંગળીના ભાગે ગોળી વાગી હતી. ચેતન શિયાળને તત્કાળ સારવાર માટે ભાવનગર લઈ જવાયા છે. ઉલ્લેખનિય છે કે ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે . જેટી પર વહાણ રાખવાને લઈને બંને પક્ષે માથાકૂટ થયા બાદ આ બનાવ બન્યો હતો.