વરસાદના કારણે ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમના આધારે નિર્ણય, વિરાટ કોહલીનું ખાતુ પણ ન ખુલ્યું
ઓપનર મિચેલ માર્શની ઝંઝાવાતી સદી અને પ્રિન્સ યાદવની વેધક બોલિંગની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે ગઇકાલે રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ મેચમાં અંતિમ ઓવરના રોમાંચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને નવ રનથી પરાસ્ત કરી દીધું હતું. જોકે આ પરાજયથી બેંગલોરના ક્રમમાં કોઈ ફરક પડ્યો ન હતો. પ્રથમ બેટિંગ કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં ત્રણ વિકેટે 209 રનનો સ્કોર રજૂ કર્યો હતો.
જેના જવાબમાં બેંગલોરના કેપ્ટન રજત પાટીદારે લડાયક બેટિંગ કરી હોવા છતાં અંતે રોયલ ચેલેન્જર્સ 19 ઓવરમાં છ વિકેટે 203 રન કરી શક્યું હતું. વરસાદને કારણે મેચ 19-19 ઓવરની કરી દેવાઈ હતી. લખનૌના 209 રન છતાં ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે બેંગલોરને જીતવા માટે 213 રનનો ટારગેટ આપવામાં આવ્યો હતો.બેંગલોરે ઇનિંગ્સના પ્રારંભની થોડી જ વારમાં ઓપનર જેકોબ બેથેવ (04) અને સ્ટાર બેટર વિરાટ કોહલી (00)ની વિકેટ ગુમાવી દીધી હતી. આમ કોહલી આ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. રજત પાટીદારે એક છેડે લડત આપી હતી. તેણે 31 બોલમાં છ સિક્સર સાથે 61 રન ફટકાર્યા હતા પરંતુ તે આઉટ થયો ત્યાર બાદ બેંગલોરની લડત લગભઘ સમાપ્ત થઈ ગઈ હતી.
કૃણાલ પંડ્યા અને રોમારિયો શેફર્ડે મેચ છેલ્લી ઓવર સુધી પહોંચાડી હતી. પ્રિન્સ યાદવે 33 રનમાં ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. અગાઉ બેંગલોરે ટોસ જીતીને લખનૌને બેટિંગમાં ઉતાર્યું હતું પરંતુ તેમનો આ નિર્ણય મિચેલ માર્શે ખોટો પાડી દીધો હતો. અહીંના એકાના સ્ટેડિયમ ખાતે વારંવાર વરસાદને કારણે આવતા વિઘ્ન વચ્ચે ઓસ્ટ્રેલિયન બેટરે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. તેણે વર્તમાન આઇપીએલમાં કુલ 11મી અને પોતાની પ્રથમ સદી ફટકારીને ટીમનો સ્કોર 209 સુધી પહોંચાડી દીધો હતો. વરસાદને કારણે મેચ 19-19 ઓવરની થઈ ગઈ હતી. લખનૌ માટે પ્લેઓફની આશા જીવંત રાખવી જરૂૂરી હતી ત્યારે માર્શે મેદાનમાં ઉતરતાની સાથે જ બેંગલોરના બોલર્સ પર પ્રહારો શરૂૂ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ઓપનરે માત્ર 56 બોલમાં 111 રન ફટકાર્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને નવ આકર્ષક સિક્સરનો સમાવેશ થતો હતો. તેણે માત્ર 20 બોલમાં આઇપીએલમાં પોતાની સૌથી ઝડપી અડધી સદી પૂરી કરી હતી. જોશ હેઝલવૂડની શરૂૂઆતની ઓવરોમાં માર્શે બે સિક્સર અને ત્રણ ચોગ્ગા ફટકારી રમતની દિશા નક્કી કરી દીધી હતી. માર્શે અર્શીન કુલકર્ણી (17) સાથે 95 રનની ઓપનિંગ ભાગીદારી કરી ટીમને મજબૂત શરૂૂઆત અપાવી હતી. આ ભાગીદારી માત્ર 56 બોલમાં નોંધાઈ હતી. મેચ દરમિયાન ત્રણ વખત વરસાદ આવતા રમત એક કલાક જેટલી મોડી પડી હતી. જોકે, આ વિરામ માર્શની લય તોડી શક્યો ન હતો. કુલકર્ણીની વિકેટ બાદ નિકોલસ પૂરને મેદાનમાં આવી 21 બોલમાં 38 રન ફટકાર્યા હતા અને માર્શ સાથે 70 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.
9 ચોગ્ગા અને 8 છગ્ગા: મિચેલની 49 બોલમાં સદી
લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આરસીબી વિરુદ્ધ મિચેલ માર્શનું તોફાન જોવા મળ્યું. આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને બોલર્સના ધજાગરા ઉડાવતા ખાલી 49 બોલમાં સદી ઠોકી અને લખનઉને એક જબરદસ્ત શરુઆત અપાવી. ટોસ હારતા લખનઉની ટીમે પહેલા બેટીંગ કરવા ઉતરી. ઓપનિંગ કરવા ઉતરેલા માર્શે આવતા જ પોતાના તોફાની ઈરાદા સ્પષ્ટ કરી દીધા અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. ખાલી 20 બોલમાં અડધી સદી ફટકારી. માર્શ અહીંથી રોકાયો નહીં. આગામી 50 રન પૂરા કરવા માટે તેણે ખાલી 29 બોલનો જ ઉપયોગ કર્યો. આ માર્શની હાલની સિઝનમાં બીજી સદી છે, જ્યારે ઓવરઓલ આ લીગમાં તેની ત્રીજી સદી છે. ઈનિંગની 14મી ઓવરમાં, રોમારિયો શેફર્ડના ચોથા બોલ પર જ્યારે માર્શે ચોગ્ગો ફટકાર્યો, ત્યારે તે લખનઉ ટીમ માટે IPLમાં સૌથી ઝડપી સદી બનાવનાર ખેલાડી બની ગયો. તેણે કેપ્ટન ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 54 બોલમાં સદી ફટકારી હતી. માર્શે 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતાં 8 સિક્સર અને 9 ચોગ્ગા ફટકારીને સદી સુધી પહોંચ્યા. આ પહેલા પણ IPLમાં તેમની શતક લખનઉની જર્સીમાં જ આવી હતી.
