કોટડાસાંગાણીના પીપલાણા ગામે ચાર દિવસથી લાપતા થયેલા વૃધ્ધનું વોકળામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને રાજકોટ ફોરેન્સિ પીએમ અર્થે ખસેડાતા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ ખુલ્યુ હતું.વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના વતની અને હાલ કોટડાસાંગાણીના પીપલાણા જીઆઇડીસીમાં કારખાનાની ઓરડીમાં રહેતા શત્રુધનભાઇ તોમલભાઇ બીન નામના 65 વર્ષના વૃધ્ધની કંપની પાછળ આવેલા વોકળામાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વૃધ્ધના મૃતદેહને ફોરેન્સિ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ ખુલ્યુ હતું. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃધ્ધ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેમના બંન્ને પુત્રો પીપલાણા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા. તેની સાથે રહેતા હતા. ચાર દિવસથી લાપતા થયેલા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા વોકળામાં જ ઢળી પડ્યા બાદ મૃતદેહ મળી આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
