જેતપુરમાં પેટ્રોલ ખૂટતા મિત્રના સ્કૂટરને ધક્કો મારતા સગીરનું ઢળી પડતા મોત

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં…

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં પૂર્વ તેને ધક્કો મારીને આગળ વધવામાં મદદ કરી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ પોતાના મિત્ર સાથે ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં મિત્રના મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. જેથી પૂર્વ મોપેડને ધક્કો મારી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો થયો અને જોતજોતામાં તે રસ્તા પર ઢળી પડ્યો હતો.

પૂર્વને રસ્તા પર ઢળી પડતા તેની સાથે રહેલા મિત્રો તેમજ આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પૂર્વ અચાનક રસ્તા પર ઢળી પડ્યો હોવાની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં પૂર્વ મિત્રના મોપેડને ધક્કો મારતો જોવા મળે છે અને ત્યારબાદ અચાનક રસ્તા પર પડી જતો સ્પષ્ટ દેખાય છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ, પૂર્વનું હૃદય અગાઉથી માત્ર 30 ટકા જેટલું જ કાર્યરત હતું. જોકે, તેના મોતનું ચોક્કસ તબીબી કારણ અને અન્ય વિગતો અંગે તબીબી તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે. પૂર્વ ત્રણ ભાઈઓમાં એકમાત્ર સંતાન હતો. માત્ર 15 વર્ષની નાની ઉંમરે તેના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોક છવાયો છે. આ ઘટનાને પગલે જેતપુર વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.