ખનીજ માફિયાઓ બેફામ, ગાંધીનગરમાં મહિલા અધિકારીની ટીમને ધમકાવી ડમ્પર છોડાવી ગયા

ગાંધીનગર જિલ્લામાં ખનિજ ચોર તત્ત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. મહિલા સરકારી અધિકારીની ટીમને બાનમાં લઈ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખનિજ માફિયા ગેંગ…

ગાંધીનગર જિલ્લામાં ખનિજ ચોર તત્ત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. મહિલા સરકારી અધિકારીની ટીમને બાનમાં લઈ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખનિજ માફિયા ગેંગ ગેરકાયદેસર સાદી રેતી ભરેલું ડમ્પર છોડાવીને નાસી છૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના કલોલ પંથકમાં બની છે. આ અંગે મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવતા કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લા ખાણ ખનીજની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલાબેન સભાયા સિક્યુરિટી ગાર્ડ ધીરજ આરસોડીયા અને ડ્રાઈવર વિપુલ રાવળ સાથે સરકારી ગાડીમાં પીપળજ-લોદ્રા રોડ પર રૂૂટીન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાંજના સુમારે અર્જુનપુરા ગામ તરફના રોડ પર 12 ટાયરનું નંબર પ્લેટ વગરનું એક ડમ્પર શંકાસ્પદ હાલતમાં પસાર થતું હતું. જેથી મહિલા અધિકારીની ટીમે ડમ્પરને રોકી તપાસ કરતા તેમાં સાદી રેતી ભરેલી હોવાથી ડમ્પરના ચાલક દશરથ રમણભાઈ (અંબોડ, તા. માણસા) પાસે રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે વજન કાંટાની પાવતી માગતા તેની પાસે કોઈ આધારભૂત પુરાવા હતા. ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરતા આ હેરાફેરી ગેરકાયદેસર હોવાનું જણાયું હતું, જેમાં આશરે 60 મેટ્રિક ટન રેતી ભરેલી હતી.

સ્કોર્પિયોમાંથી મોઢે રૂૂમાલ બાંધેલા બે શખ્સો લાકડાના ધોકા લઈને નીચે ઉતર્યા ત્યારે પાછળથી અન્ય એક સ્વિફ્ટ કાર પણ ધસી આવી હતી. તેમાંથી પણ એક શખ્સ લાકડાનો ધોકો લઈને નીચે ઉતર્યો હતો અને ડમ્પરમાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડ ધીરજભાઈને ઘેરી લઇ જો ડમ્પર છોડીને નહીં જાય તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેમને બળજબરીથી નીચે ઉતારી દઇ ડમ્પરને યુ-ટર્ન મરાવી ભગાડી ગયા હતા.

આ ડમ્પર અગાઉ પણ ખનિજ ચોરીમાં સીઝ થયેલું હતું. તેના માલિક તરીકે જીતુભા ચાવડા અને બિટ્ટુ ઉર્ફે સુરપાલસિંહ ચાવડા તેમજ દાવેદાર તરીકે અવિરાજસિંહ ચાવડાના નામ સામે આવ્યા હતા. ફરીવાર ગેરકાયદેસર ખનિજ ચોરી પકડાતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે કાયદેસરની કાર્યવાહી કરવા સિક્યુરિટી ગાર્ડ ધીરજને ડમ્પરના ચાલકની બાજુની સીટમાં બેસાડ્યા હતા અને ડમ્પરને પીપળજ ચેકપોસ્ટ તરફ લઈ જવા આદેશ કર્યો હતો અને મહિલા અધિકારી સરકારી ગાડી લઈને ડમ્પરની પાછળ જઈ રહ્યા હતા. પરંતુ ડમ્પર થોડે દૂર પહોંચતા ખનિજ માફિયા ધસી આવ્યા હતા અને મહિલા અધિકારીની ગાડીની આગળ કાળા રંગના કાચવાળી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ઊભી રાખી સરકારી વાહનનો રસ્તો રોકી દીધો હતો.