મ્યાનમાર સરહદેથી ઉગ્રવાદીઓએ મણિપુરમાં ઘૂસીને ચાર લોકોની ગોળી મારી હત્યા કરી નાખી

મણિપુરના કામજોંગ જિલ્લાના પિલોંગ ગામમાં ગુરુવારે બપોરે હથિયારબંધ હુમલાખોરોએ ચાર લોકોને ગોળીઓ મારીને હત્યા કરી હતી. પોલીસને શંકા છે કે હુમલાખોરો ભારત-મ્યાનમાર સરહદ પારથી આવ્યા…

મણિપુરના કામજોંગ જિલ્લાના પિલોંગ ગામમાં ગુરુવારે બપોરે હથિયારબંધ હુમલાખોરોએ ચાર લોકોને ગોળીઓ મારીને હત્યા કરી હતી. પોલીસને શંકા છે કે હુમલાખોરો ભારત-મ્યાનમાર સરહદ પારથી આવ્યા હતા. એક વ્યક્તિ કોઈક રીતે બચીને ભાગી ગયો અને તેણે જ ઘટનાની જાણ કરી હતી. મૃતકોમાં એક પિતા અને તેમનો પુત્ર પણ સામેલ છે.

પોલીસ જણાવે છે કે હુમલો ગુરુવારે બપોરે આશરે ચાર વાગ્યે થયો હતો. પિલોંગ ગામ ઈન્ડો-મ્યાનમાર બોર્ડર પિલર નંબર 95 નજીક આવેલું છે અને ચાસાડ પોલીસ સ્ટેશનથી આશરે 30 કિલોમીટર દૂર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે હુમલો સંભવત: સરહદ પારથી આવેલા હથિયારબંધ લોકોએ કર્યો હોય. ચાસાડ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીની આગેવાનીમાં પોલીસ ટીમ સ્થાનિક લોકો અને અસમ રાઈફલ્સ સાથે મળીને શબ અને ઘાયલ વ્યક્તિને લાવવા પિલોંગ પહોંચી હતી.
સ્થાનિક લોકોએ મૃતકોની ઓળખ ફામી જાજો, નિંગથેમ જિંગસુઈ, બેટરસન જાજો અને વારેઈશિમ જાજો તરીકે કરી છે. અખન કાપિંગ નામના એક વ્યક્તિ બચી ગયા હતા. અધિકારીઓએ હજુ સ્વતંત્ર રીતે ઓળખની પુષ્ટિ કરી નથી. પોલીસે હુમલા માટે જવાબદારોની હજુ પુષ્ટિ કરી નથી, પરંતુ અહેવાલોમાં કુકી નેશનલ આર્મી બર્મા (કેએનએ-બી) ગુટ પર શંકા વ્યક્ત થઈ રહી છે.

તાંગખુલ નાગા લોંગ (ટીએનએલ) સંગઠને શુક્રવાર સવારે 7 વાગ્યેથી શનિવાર સવારે 7 વાગ્યા સુધી 24 કલાકનો બંધ જાહેર કર્યો છે. સંગઠને આ હુમલા માટે કેએનએ-બી અને કુકી નાર્કો આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે. આવશ્યક સેવાઓવીજળી, તબીબી, અગ્નિશામક અને અંતિમવિધિ સંબંધિત હિલચાલબંધની અસરમાંથી મુક્ત રાખવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે અને હુમલાખોરોની ચોક્કસ ઓળખ હજુ બાકી છે. સરહદી વિસ્તારમાં તણાવ વધ્યો હોવાથી સુરક્ષા દળોએ ચોકસાઈ વધારી છે.