સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મૃતક આધેડ દારૂૂ પીવાની કુટેવ ધરાવતા હતા. અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગૃહકલેશથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કાલાવાડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્કમાં રહેતા સોનલબેન પંકજભાઈ પારેખ નામના 67 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે હૃદયની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં સોનલબેન પારેખના પતિ લેબોરેટરી ચલાવે છે અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.