ગુજરાત

56 લાખના ફ્રોડમાં કમ્બોડિયન ગેંગના ભાડુતી માણસો ઝડપાયા

Published

on

બેંક ખાતા ભાડે આપી નેટવર્ક ચલાવતા 8 શખ્સોને ઉપાડી લેતી પોલીસ, અનેક સ્થળે સાયબર સેલના દરોડા

રાજકોટ સાયબર ક્રાઈમની ટીમના જૂનાગઢ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં દરોડા, પૂછપરછમાં મોટા ખુલાસા થશે

દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા ડીજીટલ એરેસ્ટના નામે લાખો કરોડો રૂપિયાનો ચુનો લગાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના એક નિવૃત બેંક કર્મચારીને પણ સાયબર માફિયાએ જાળમાં ફસાવી ડિજિટલ એરેસ્ટના નામે 15 દિવસ સુધીબાનમાં લઈ રૂા. 56 લાખ પડાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેણે નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટના નામે બાનમાં લીધા હોય અને બેંકના અલગ અલગ એકાઉન્ટમાં 56 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને આ મામલે કમ્બોડિયન ગેંગના ભાડુતી માણસોની ઓળખ કરી આ મામલે અમદાવાદ, જૂનાગઢ, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડી 8 શખ્સોને ઉઠાવી લીધા હતાં. આ સમગ્ર રેકેટમાં ભાડુતી માણસો દ્વારા બેંક એકાઉન્ટ ભાડે લઈને આ ડીઝીટલ એરેસ્ટનું મોટુ કૌભાંડ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતાં. અમદાવાદ બાદ રાજકોટ પોલીસને આ કમ્બોડિયન ગેંગના ભાડુતી માણસોને ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે તપાસમાં આ મામલે હજુ પણ ધરપકડ થાય તેવી શક્યતા છે.


મળતી વિગતો મુજબ રાજકોટના હસનવાડીમાં વ્રજ નિકુંજ મકાનમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા ઉ.વ.73ની ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે ચાર બેન્ક એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો છે.


મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા. 11 જુલાઈના રોજ તેઓ પોતાના પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી તેમને ફોન આવ્યો હતો. અને સામે વાત કરનાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સે પોતે મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોય અને મહેન્દ્રભાઈ વિરુદ્ધ મનીલોન્ડ્રીંગનો ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું અને વધુ વિગત માટે પોતાના પુત્રી વિનાયક સરનો મોબાઈલ નંબર આપી વાત કરવા જણાવ્યું હતું. ફોન કરનાર તિલકનગરના પીઆઈ તરીકેની ઓળખ આપનાર શખ્સનો જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો. તેમાં ફોન કરતા લાગતો ન હોય ત્યાર બાદ મહેન્દ્રભાઈને વોટ્સએપ કોલ આવ્યો હતો. અને હિન્દુભાષામાં વાત કરનાર શખ્સે મહેન્દ્રભાઈના આધારકાર્ડ ઉપર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખુલ્યુ છે અને જેમાં અઢી કરોડ રૂપિયાનું બેલેન્સ હોય અને આ એકાઉન્ટનો ઉપયોગ છેતરપીંડીમાં થયો હોય તમારી ધરપકડનું વોરંટ કાઢવામાં આવે છે. નરેશ ગોયેલ નામના શખ્સે 247 લોકો સાથે છેતરપીંડી કરી છે તેમાં તમે પણ સંડોવાયેલા છો. તેમ કહ્યું હતું. ત્યાર બાદ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ આપવા માટેની વાત કરી હતી. અને મહેન્દ્રભાઈનો સવાર-બપોર અને સાંજે તેમ ત્રણ વખત ફોટો પાડીને વોટ્સએપમાં મોકલવાનું કહેતા આ ફોટા પાડીને મહેન્દ્રભાઈ મોકલતા રહ્યા હતાં.


ત્યાર બાદ થોડા દિવસો પછી ફરી એક વોટ્સએપ નંબરમાંથી ફોન આવ્યો હતો અને પોતે સેબીના એન.ટી. મની લોન્ડ્રીંગ બાબતેનો એક પત્રો અને ડાયરેક્ટર ઓફ એન્ફોસમેન્ટ તેમજ આરબીઆઈ અને કેનેરા બેંકનું મહેન્દ્રભાઈના નામ વાળુ એટીએમ કાર્ડ અને બેંકનું સ્ટેટમેન્ટ વોટ્સએપ મારફતે મોકલ્યા હતા અને ફોન કરનારે મહેન્દ્રભાઈને ધમકી આપી બેંક એકાઉન્ટ તથા મ્યુચુલફન્ડ અને સ્ટોક માર્કેટમાં કરેલા રોકાણની તમામ માહિતી માંગતા મહેન્દ્રભાઈએ પોતાની પાસેથી આ માહિતી ફોન કરનારને આપી હતી. ત્યાર બાદ ફરીથી મહેન્દ્રભાઈને મનીલોન્ડરીંગ કેસમાં સંડોવણી છે કે નહીં તે બાબતે તપાસ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને આપેલા બેંક એકાઉન્ટમાં 56 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ રકમ ટ્રાન્સફર થયા બાદ છ દિવસ પછી જવાબ મળશે તેમ સાયબર ગઠિયાઓએ ફોન ઉપર મહેન્દ્રભાઈને વાત કરી હોય આ બાબતે છ દિવસ પછી સાયબર માફિયાઓનો સંપર્ક નહી થતાં અને જે નંબરમાંથી ફોન આવ્યા હોય તે નંબર બંધ હોય આ બાબતે મહેન્દ્રભાઈએ પોતાના પૌત્રને વાત કરતા અંતે છેતરપીંડી કરતાનું વાત કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ રાજકોટની ટીમના પીઆઈ એમ.એ. ઝણકાટ સહિતના સ્ટાફે તપાસ કરી હતી અને તપાસ કરતા આ ડીઝીટલ એરેસ્ટનું પગેરુ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ખુલ્યું હતું. જેના આધારે પીઆઈ બી.બી. જાડેજા એન તેમની અલગ અલગ ચાર ટીમોએ સૌરાષ્ટ્રના જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, સુરત, અને બનાસકાંઠા પંથકમાં તપાસ કરી આ છેતરપીંડીની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. તે આંઠ શખ્સોને ઝડપી લીધા છે. આ સમગ્ર કૌભાંડનું દોરી સંચાર તાયવાન અને કમ્બોડિયાથી થતો હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી ઓફિસ જેવું કોલ સેન્ટર
અમદાવાદ એન રાજકોટમાં ડીઝીટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવવાનું રેકેટ ચલાવતી ટોળકીની ધરપકડ માટે પોલીસ તપાસ કરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે ડીઝીટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવતી ટોળકીનો પર્દાફાશ કરી ચાર તાઈવાનના નાગરિકો સહિત 17 શખ્સોની ધરપકડ કરી હતી. ગુજરાત સહિતના રાજ્યોમાં રેકેટ ચલાવતી આ ટોળકી સરકારી ઓફિસ જેવા કોલસેન્ટરોથી આ રેકેટ ચલાવે છે અને જ્યાંથી વીડિયોકોલ કરવામાં આવે છે. તે જગ્યા ઉપર આધુનિક સરકારી ઓફિસ જેવું કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હોય જેમાં મશીનરીનો ઉપયોગ કરીને લોકોને પોલીસ સ્ટેશન એન કોર્ટનો માહોલ ઉભો કરીને મની લોન્ડ્રીંગ, ડ્રગ્સ અને સ્મગલીનના નામે ડરાવીને રૂપિયા પડાવવામાં આવે છે.

વિદેશમાં બેસી ગુજરાતી ભેજાબાજોનું ડિજિટલ એરેસ્ટનું કારસ્તાન

આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કેટલીક ચોકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ડીઝીટલ એરેસ્ટના નામે લોકોને ડરાવીને રૂપિયા પડાવતી આ ટોળકીનું એ.પી. સેન્ટર કમ્બોડિયા એન તાઈવાન છે. આ ટોળકીના ભાડુઆતી માણસો ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં તથા મહારાષ્ટ્રમાં સક્રિય છે. ગુજરાતના કેટલાક ભેજાબાજો હાલ તાઈવાન એન કમ્બોડિયામાં જઈને આ રેકેટ ચલાવતા હોવાનો મોટો ખુલ્લાસો થયો છે. વિદેશી નાગરિકો સાથે સાંઠગાઠ રચીેન ગુજરાત, મહારાષ્ટ્ર એન ઓડિસાના શખ્સોએ આ ડીઝીટલ એરેસ્ટનું કારસ્તાન રચીને લોકોને રૂપિયા પડાવવા માટે વીડિયો કોલ કરીને ધમકાવી રહ્યા છે. આ ટોળકીનો 1000થી વધુ લોકો ભોગ બન્યા હોવાની શંકા છે.

પોલીસ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કર્યા છતાં લોકો હજુ અંધારામાં

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવતી સાયબર માફિયા ટોળકી સક્રિય થઈ છે. રાજકોટમાં જ છેલ્લા બે મહિનામાં આ બીજો બનાવ છે. અગાઉ રેસકોર્સ પાર્કમાં રહેતા પેટ્રોલીયમ કંપનીના નિવૃત કર્મચારી અશ્ર્વિનભાઈતલાટિયા સાથે આ મોડસઓપરેન્ડીથી એક કરોડની છેતરપીંડી થઈ હતી. સાયબર ક્રાઈમ અને ગુજરાત પોલીસ આ ડિઝીટલ એરેસ્ટના નામે લોક જાગૃતિ માટે છેલ્લા ઘણા વખતથી અનેક પ્રયાસો કરી રહી છે. છતાં હજુ પણ લોકો અંધારામાં હોવાનું આવા બનાવો બને ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે.

એકાઉન્ટ ભાડે આપનારને 15 હજાર અને શોધી આપનારને 5 હજારનું કમિશન

ડીઝીટલ એરેસ્ટના નામે છેતરપીંડી કરતી આ ટોળકીના 8 સભ્યોને રાતોરાત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસે દબોચી લીધા છે. પુછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે નિવૃત બેંક કર્મચારી સાથે થયેલી 56 લાખની છેતરપીંડી મામલે પુછપરછમાં પકડાયેલા શખ્સો ભાડુઆતી માણસો હોવાનું જાણવા મળ્યું છે. ટોળકી દ્વારા એકાઉન્ટ ધારકને દર મહિને રૂા. 15 હજાર અને આવા એકાઉન્ટ ધારક શોધી આપનાર એજન્ટને 5 હજાર રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવતું હતું. આ મામલે તપાસમાં હજુપણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version