MBBSના 50% વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ચિંતાજનક

  દર્દીની વાત સાંભળવા, તેમનો ડર સમજવા અને અજાણ્યાને ખુલ્લા દિલે વાત કરાવવા તાલીમ લઈ રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ પોતે જ સામાજિક પરિસ્થિતિમાં વાત કરવા અને…

 

દર્દીની વાત સાંભળવા, તેમનો ડર સમજવા અને અજાણ્યાને ખુલ્લા દિલે વાત કરાવવા તાલીમ લઈ રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ પોતે જ સામાજિક પરિસ્થિતિમાં વાત કરવા અને લોકો સામે આવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તથા એરપોર્ટ હેલ્થ ઓફિસ, ડીજીએચએસ, અમદાવાદના સંશોધકોએ કરેલા અભ્યાસમાં 480 એમબીબીએસ વિદ્યાર્થીઓમાંથી લગભગ અડધાને મધ્યમ, ગંભીર કે અત્યંત ગંભીર સોશિયલ ફોબિયા જોવા મળ્યો છે.

ક્યુરિયસમાં પ્રકાશિત આ અભ્યાસમાં સોશિયલ ફોબિયા ઇન્વેન્ટરી (SPIN) દ્વારા વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. મધ્યમ સોશિયલ ફોબિયા સૌથી વધુ 28.3 ટકા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો. ત્યારબાદ હળવો 27.3 ટકા, ગંભીર 19.8 ટકા અને અત્યંત ગંભીર 18.6 ટકા નોંધાયો. એટલે કે મધ્યમથી અત્યંત ગંભીર કેટેગરીમાં લગભગ અડધા વિદ્યાર્થીઓ આવી ગયા.

અભ્યાસના લેખક અને જીસીએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સાહિલ સોલંકીએ જણાવ્યું કે મેડિકલ વિદ્યાર્થીઓમાં સોશિયલ ફોબિયા એવો મુદ્દો છે જેના પર ધ્યાન આપવું જરૂૂરી છે, કારણ કે આ વિદ્યાર્થીઓ આગળ જતાં ડોક્ટર બનવાના છે અને સંદેશાવ્યવહાર તેમના વ્યવસાયનો મહત્ત્વનો ભાગ છે. ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે અને હોસ્ટેલમાં રહે છે, જ્યાં શરૂૂઆતમાં એકલતા અનુભવે છે અથવા સામાજિક સંબંધ બાંધવામાં મુશ્કેલી પડે છે.

તેમણે ઉમેર્યું કે કેટલાક વિદ્યાર્થીઓ લોકો દ્વારા મૂલવાઈ જવાના ડરથી જાહેર કાર્યક્રમો કે સામાજિક મેળાવડા ટાળે છે. પરંતુ ઇન્ટર્નશિપ અને પછી ગ્રામ્ય પોસ્ટિંગ દરમિયાન દર્દી તથા સમુદાય સાથે વાતચીત કામનો અનિવાર્ય ભાગ બની જાય છે. તેથી સોશિયલ ફોબિયા વહેલો ઓળખીને વિદ્યાર્થીઓને ભાગ લેવા, વાત કરવા અને ખુલ્લા મને સંવાદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ વધુ આત્મવિશ્વાસુ ડોક્ટર બની શકે. સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે આ તારણોને સમગ્ર ગુજરાત કે દેશ પર લાગુ પાડતાં પહેલાં બહુકેન્દ્રીય અભ્યાસની જરૂૂર છે.

તમાકુના વપરાશ-હોસ્ટેલ લાઇફની અસર
અભ્યાસમાં તમાકુના વપરાશ, સામાજિક-આર્થિક વર્ગ, રહેઠાણ અને રમતગમતમાં ભાગીદારી સાથે નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો. ઉંમર, લિંગ કે અભ્યાસના વર્ષ સાથે આવો સંબંધ જોવા મળ્યો નહીં. તમાકુનો વપરાશ સૌથી મજબૂત સંબંધોમાંનો એક હતો. રહેઠાણ પણ મહત્ત્વનું પરિબળ રહ્યું. સંશોધકોએ નોંધ્યું કે રમતગમત ચિંતા અને તણાવ ઘટાડવામાં, ટીમવર્ક વધારવામાં અને સામાજિક કૌશલ્ય મજબૂત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.