કોંકરોચને રોકવા સરકાર ઉંધા માથે: દિલ્હીની ટ્રેનો રદ, મેટ્રો સ્ટેશનો બંધ

આવતીકાલે જંતરમંતર ખાતે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અટકાવવા સરકરે કમર કસી છે. દિલ્હી પોલીસે આયોજકોને…

આવતીકાલે જંતરમંતર ખાતે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અટકાવવા સરકરે કમર કસી છે. દિલ્હી પોલીસે આયોજકોને દેખાવો માટે પરવાનગી આપવા ઇનકાર કર્યો છે તો રેલવેએ દિલ્હીના બે સ્ટેશનોને આવતી-જતી તમામ ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત દિલ્હી આવી રહેલી ટ્રેનોની તલાશી લઇ સીજેપીના કાર્યકરોને ઉતારી લેવાના બનાવો સામે આવ્યા છે.

દિલ્હીમાં 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન પહેલાં, આજે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) સહિતના અનેક જૂથોએ આરોપ લગાવ્યો હતો કે દેશભરમાંથી વિરોધ પ્રદર્શન કરનારાઓની અટકાયત કરવામાં આવી રહી છે. CJPના સહ-સંયોજક આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે સંસ્થાના સહ-પ્રભારી દીપક બલિયાનની રાજસ્થાનમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હજારો સ્વયંસેવકોની અટકાયત કરવામાં આવી છે. ’સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ (SFI) એ પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓ કાર્યકરોના ઘરે જઈ રહ્યા છે અને તેમને દિલ્હી જતા રોકવા માટે તેમના પરિવારોને ડરાવી-ધમકાવી રહ્યા છે.

દિલ્હીમાં, પોલીસ કોલેજો, યુનિવર્સિટીઓ અને પીજી રહેઠાણોમાં બેઠકો યોજી રહી છે જેથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિરોધ પ્રદર્શનમાં સામેલ ન થવા માટે કહી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજૂરી વિનાના વિરોધ પ્રદર્શનમાં જોડાવાથી નવી દિલ્હી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ શકે છે. પોલીસ અધિકારીઓએ જૂની દિલ્હીની સ્થાનિક મસ્જિદો અને બજારોની મુલાકાત લીધી હતી અને જાહેરાત કરી હતી કે નવી દિલ્હી વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ છે, તેમજ નાગરિકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા વિનંતી કરી હતી. દિલ્હી-નોઇડા સરહદે બીએસએફ તહેનાત કરાઇ છે અને વાહનો રોકી સંદિગ્ધોની પુછપરછ કરાઇ રહી છે.

દિલ્હી પોલીસે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. સંયુક્ત પોલીસ કમિશનર (નવી દિલ્હી) નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે અગાઉના પ્રદર્શન દરમિયાન સંમત થયેલી શરતોનું પાલન ન કરવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે દલીલ કરી હતી કે 10 દિવસ પહેલા મંજુરી માગવી આવશ્યક છે. આયોજકો એમ કરવામાં નિષ્ફળ ગયા છે.

રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે સવારે 4 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે રાજધાનીના નવી દિલ્હી અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવનારી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય તે વિસ્તારોમાં “સંભવિત ગંભીર ટ્રાફિક જામ”ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત દિલ્હી પોલીસે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને શુક્રવાર (9 ઓક્ટોબર, 2026)ની રાત્રે 9 વાગ્યાથી શનિવાર (10 ઓક્ટોબર, 2026) – એટલે કે CJPના વિરોધ પ્રદર્શનના દિવસ – સુધી 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાની વિનંતી કરી છે. પોલીસે આ નિર્ણય પાછળ “સંવેદનશીલ સ્થળો તરફ બેકાબૂ ટોળાની હિલચાલ”ની શક્યતાને કારણભૂત ગણાવી છે.

23000 સુરક્ષાકર્મીઓ ખડકાયા
રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ 23,000 સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ના જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 8 થી 12 ઓક્ટોબર દરમિયાન CAPFની 221 કંપનીઓની તૈનાતીને મંજૂરી આપી છે; આ ઉપરાંત દિલ્હી પોલીસને વધારાની 110 CAPF કંપનીઓ પણ ફાળવવામાં આવી છે. તેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 85 કંપનીઓ, સશસ્ત્ર સીમા બળ (SSB)ની 10, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની 7, રેપિડ એક્શન ફોર્સ (RAF)ની 7 અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની 1 કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસના 20,000 જવાનો પણ તૈનાત રહેશે.