Site icon Gujarat Mirror

મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’ છબીને સાર્થક કરતા મહેસાણા નગર પાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.રમેશભાઈ ભીલને મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે.

રમેશભાઈ છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ’પંચામૃત’ ખાતે પટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. કાર્યાલયમાં આવતા તમામ નેતાઓ અને કાર્યકરોને ચા-પાણી પીવડાવતા રમેશભાઈ માટે આ ટિકિટ એ તેમની વર્ષોની સેવા અને વફાદારીનું ફળ માનવામાં આવે છે. રમેશભાઈએ આ તક બદલ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, પક્ષે મારા જેવા નાના માણસ પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું હંમેશા ઋણી રહીશ. ભાજપના આ નિર્ણયથી સાબિત થાય છે કે પક્ષમાં નાનામાં નાના કાર્યકરની કદર થાય છે. આ જાહેરાત બાદ વોર્ડ 13ના મતદારો અને પક્ષના કાર્યકરોમાં પણ રમેશભાઈની ઉમેદવારીને લઈને ભારે આદર જોવા મળી રહ્યો છે.

Exit mobile version