છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચ

  ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. હવામાન વિભાગના…

 

ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ માત્ર 24 કલાકમાં માંગરોળમાં 565 મિલીમીટર એટલે કે અંદાજે 23 ઈંચ વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માંગરોળના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે રસ્તાઓ અને જનજીવન પર પણ ભારે અસર જોવા મળી હતી.

બીજી તરફ માળિયા હાટિનામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં 358 મિલીમીટર એટલે કે અંદાજે 14 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પૂરને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે.

હાલ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે.

આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.